આપના ધારાસભ્ય બાદ હવે કૉંગ્રેસના ધારાસભ્યનું રાજીનામું
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પહેલા જ ભાજપે પરંપરાગત રીતે ચૂંટણી પહેલાનો ભરતી મેળો શરૂ કર્યો છે. કૉંગ્રેસ સહિતના વિપક્ષના નેતાઓને ભાજપમાં જોડવામાં આવી રહ્યાં છે. તાજતેરમાં જ વીસાવદરના આપના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યા બાદ ભાજપનો રાગ આલાપ્યા બાદ આજે મંગળવારે કૉંગ્રેસના ખંભાતના ધારાસભ્ય ચિરાગ પટેલે રાજીનામું આપી દીધું છે. એક સપ્તાહમાં જ વિપક્ષના બે ધારાસભ્યોની વિકેટ પડતા હવે વિધાનસભાની સભ્ય સંખ્યા ૧૮૨થી ઘટીને ૧૮૦ થઇ છે જ્યારે કૉંગ્રેસના ધારાસભ્યો ૧૭થી ઘટીને ૧૬ થયાં છે.
છેલ્લા બે દિવસથી રાજીનામાની અટકળો વચ્ચે તેઓ વિધાનસભાગૃહમાં અધ્યક્ષ ચેમ્બરમાં પહોંચ્યા હતા અને રાજીનામું આપ્યું હતું. અધ્યક્ષને મળવા પહોંચ્યા ત્યારે તેમણે જણાવ્યું હતું કે, કૉંગ્રેસમાં પક્ષને તોડવાની કામગીરી ચાલી રહી છે.
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ૧૫૬ બેઠકોની જંગી બહુમતી બાદ હવે ૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં તમામ ૨૬ બેઠકો પર વિજયની હેટ્રીક સર્જવાની તૈયારી સાથે ભાજપે શરૂ કરેલા ઓપરેશન સ્ટેટસમાં ગત સપ્તાહે આમ આદમી પાર્ટીના વિસાવદરના પક્ષ અને ધારાસભ્યમાંથી રાજીનામા બાદ હવે કૉંગ્રેસના ખંભાતના સાંસદ ચિરાગ પટેલ પણ પક્ષને રામરામ કહીને વિધાનસભા છોડીને કેસરીયા કરવાની અટકળોની વચ્ચે તેઓ વિધાનસભાગૃહમાં અધ્યક્ષ ચેમ્બરમાં પહોંચ્યા હતા અને રાજીનામું આપ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે વિધાનસભા અને કૉંગ્રેસ પક્ષ છોડનાર કૉંગ્રેસના યુવા ધારાસભ્ય ચિરાગ પટેલે ૨૦૨૨માં પ્રથમ વખત ખંભાત બેઠક લડી અને જીત્યા હતા તેઓ ભાજપના મયુર રાવલને ૩૭૧૧ મતે હરાવ્યા હતા. તેઓને જે લીડ મળી તેના કરતાં આપ (૨૫૧૪) તથા નોટા (૨૫૯૦)ના કુલ મતો વધુ હતા. આમ ભાજપે આ બેઠક પર તેની નબળાઈનું વિશ્ર્લેષણ કરીને ઓપરેશન પાર પાડયું છે.