યશસ્વીની આક્રમક સેન્ચુરી પછીઈજાગ્રસ્ત, ભારતને જીતવાનો મોકો
રાજકોટ: અહીં ત્રીજી ટેસ્ટમાં શુક્રવારે ઇંગ્લૅન્ડનો ૨૯ વર્ષનો ઓપનિંગ બૅટર બેન ડકેટ બાઝબૉલની આક્રમક સ્ટાઇલમાં કરીઅરની ત્રીજી સેન્ચુરી ફટકારીને છવાઈ ગયો હતો તો ગઈ કાલનો દિવસ બાવીસ વર્ષના ભારતીય ઓપનિંગ બૅટર યશસ્વી જયસ્વાલનો હતો. તેણે પણ કારકિર્દીની ત્રીજી સદી ફટકારી છે. આ સિરીઝમાં ૧૦ દિવસ પહેલાંની ડબલ સેન્ચુરી પછીની તેની આ બીજી સેન્ચુરી છે જે તેણે ૧૩૩ બૉલમાં પાંચ સિક્સર તથા નવ ફોરની મદદથી ફટકારી છે. ૧૨૨ બૉલમાં ૧૦૦ રન પૂરા કર્યા પછી તેને પીઠના નીચલા ભાગમાં દુખાવો શરૂ થયો હતો અને ૧૦૪ રનના પોતાના સ્કોર પર તે રિટાયર્ડ હર્ટ થયો હતો. જોકે રવિવારે જરૂર પડશે તો તે ફરી બૅટિંગ કરવા ઊતરશે. એક તબક્કે યશસ્વીએ પીઢ ફાસ્ટ બોલર જેમ્સ ઍન્ડરસની ઓવરમાં ઉપરાઉપરી ત્રણ ફોર અને પછી લેફ્ટ-આર્મ સ્પિનર ટૉમ હાર્ટલીના બૉલમાં ઝમકદાર છગ્ગો મારીને હાફ સેન્ચુરી પૂરી કરી હતી.
યશસ્વીએ ત્યાર પછી પણ આક્રમક મૂડમાં બૅટિંગ ચાલુ રાખી હતી અને ઇંગ્લૅન્ડની સ્પિન-ત્રિપુટી હાર્ટલી, રેહાન અહમદ અને જો રૂટની બોલિંગની ખબર લઈ નાખી હતી અને ફક્ત ૪૨ બૉલમાં બીજા ૫૦ રન બનાવ્યા હતા. જોકે સેન્ચુરીના સેલિબ્રેશન વચ્ચે તેને પીઠમાં દુખાવો શરૂ થયો હતો અને છેવટે પૅવિલિયનમાં પાછો ગયો હતો. રવિચન્દ્રન અશ્ર્વિન ફૅમિલીમાં મેડિકલ ઇમરજન્સી આવતાં ચેન્નઈ પાછો જતો રહ્યો છે અને યશસ્વી
ઈજા પામ્યો હોવાથી હાલમાં ભારતીય ટીમ પ્લેઇંગ ઇલેવનને બદલે પ્લેઇંગ નાઇનની કહી શકાય.
ત્રીજા દિવસની રમતને અંતે ભારતનો સ્કોર બે વિકેટે ૧૯૬ રન હતો અને લીડ સહિત ભારતના ૩૨૨ રન હતા. રવિવારે ચોથા દિવસે લંચ અથવા ટી બ્રેક સુધીમાં ઝડપથી બીજા સવાસો-દોઢસો રન બનાવીને ભારતીયો બ્રિટિશરોને ૫૦૦ રન આસપાસનો અત્યંત મુશ્કેલ લક્ષ્યાંક આપી શકે એમ છે.
પહેલા દાવમાં ભારતના ૪૪૫ રન અને ઇંગ્લૅન્ડના ૩૧૯ રન હતા.