ચંદીગઢ: ચંદીગઢ મેયરની ચૂંટણીનો વીડિયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થયો હતો. જેમાં કથિત રૂપે પ્રિસાઇડિંગ ઓફિસર અમુક મતને રદ કરી રહ્યા હતા. આ મામલાને પડકારનારી અરજી પર સુપ્રીમ કોર્ટ લાલઘૂમ થઈ હતી અને આકરા શબ્દોમાં આ મુદ્દાને વખોડી કાઢ્યો હતો. અને આ મામલે નોટિસ પણ પાઠવી હતી.
ચંદીગઢ મેયરની ચૂંટણીને લઈને સુપ્રીમ કોર્ટમાં આજે CJI D Y ચંદ્રચૂડની બેન્ચે સુનાવણી કરી. ચીફ જસ્ટિસે તે વિડીયો પણ જોયો કે જેમાં પ્રિસાઇડિંગ ઓફિસર કથિત રૂપે અમુક મતોને રદ કરી રહ્યા હોય છે.
CJIએ આ દ્રશ્યોને લોકતંત્રની મજાક ગણાવી હતી અને તેમને કહ્યું હતું કે જે કંઈ થયું, તેનાથી બસ અમે બધા સ્તબ્ધ છીએ. અમે આવી રીતે લોકતંત્રની હત્યાની પરવાનગી ન આપી શકીએ. CJI આ ઘટનાનો સંપૂર્ણ વીડિયો રજૂ કરવા કહ્યું અને ચંદીગઢ મેયરની ચૂંટણીને પડકારતી કુલદીપ કુમારની અરજી પર નોટિસ જારી કરવામાં આવી છે.
આપને જણાવી દઈએ કે આ પ્રકરણનું સમગ્ર રેકર્ડ પંજાબ અને હરિયાણા હાઇ કોર્ટના રજિસ્ટ્રાર પાસે સાંજ 5 વાગ્યા સુધીમાં તમામ દસ્તાવેજ અને વીડિયો પ્રૂફ સાથે રાખવામા આવશે.
આ સાથે જ સુપ્રીમ કોર્ટે ચંદીગઢ નગરનિગમની 7 ફેબ્રુઆરીએ થનારી પ્રથમ બેઠક અનિશ્ચિત કાળ સુધી સ્થગિત કરી દીધી છે. એટલે કે નગરનિગમના નવા મેયરના કામકાજ પર પણ રોક લગાવી દેવામાં આવી છે. એડવોકેટ કુલદીપ કુમારે નવેસરથી મેયરની ચૂંટણીની માંગણી સાથે કોર્ટનો દરવાજો ખટખટવ્યો છે.