ગોવામાં શિવાજીની પ્રતિમાનું અનાવરણ કર્યા બાદ આ કારણસર ગોવાના પ્રધાન ઘાયલ…

પણજી: દક્ષિણ ગોવાના એક ગામમાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાના અનાવરણ બાદ પથ્થરમારો થતાં ગોવાના પ્રધાન ઘાયલ થયા હતા. અમુક લોકોએ છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા સ્થાપિત કર્યા પછી રવિવારે માર્ગો શહેર નજીકના સાઓ જોસ દે અરેલ ગામમાં ભારે પોલીસ હાજરી વચ્ચે અન્ય જૂથે વાંધો ઉઠાવ્યો હતો.
આ દિવસે મરાઠા સમ્રાટની ૩૯૪મી જન્મજયંતિ છે અને તેની ઉજવણી માટે રાજ્યભરમાં કાર્યક્રમો યોજવામાં આવ્યા છે. પ્રતિમાનું અનાવરણ કર્યા બાદ સુભાષ દેસાઈ પોતાની કારમાં બેસી રહ્યા હતા ત્યારે બપોરે પથ્થરમારો થયો હતો.
રાજ્યના સમાજ કલ્યાણ પ્રધાન દેસાઈએ કહ્યું હતું કે મૂર્તિની સ્થાપનાનો વિરોધ કરી રહેલા ટોળાએ ગામમાં તેમની સાથે ટૂંકી ચર્ચા કર્યા પછી પથ્થરમારો કર્યો હતો. તેમાંથી થોડા પથ્થરો તેમને વાગ્યા હતાં અને સામાન્ય ઈજા થઈ હતી.
દેસાઈએ સ્પષ્ટતા કરી હતી કે તેઓ સાંપ્રદાયિક સૌહાર્દ સુનિશ્ચિત કરવા માટે પોલીસ ફરિયાદ નોંધાવશે નહીં. દેસાઈએ કહ્યું હતું કે તેમણે ગ્રામજનો સાથે સંવાદ શરૂ કર્યો હતો, જે અનિર્ણિત રહ્યો હતો. તેમણે કહ્યું કે આ પ્રતિમા મુસ્લિમ નિવાસી દ્વારા દાનમાં આપવામાં આવેલી ખાનગી મિલકતમાં સ્થાપિત કરવામાં આવી છે.