ટોપ ન્યૂઝનેશનલ

બંગાળમાં ટીએમસી-કોંગ્રેસના ભંગાણ પછી ફાયદો કોને થશે?, ભાજપનો ઈરાદો પણ જાણી લો…

કોલકાતાઃ પશ્ચિમ બંગાળના ભાજપ (ભારતીય જનતા પાર્ટી)ના એકમે લોકસભાની ચૂંટણીની તૈયારીઓ તેજ કરી દીધી છે. ભાજપે બંગાળમાં લોકસભાની ૪૨માંથી ૩૫ બેઠક જીતવાનું લક્ષ્ય રાખ્યું છે. આ ૩૫ બેઠકો જીતવાના લક્ષ્યાંક માટે ભ્રષ્ટાચારના મુદ્દા ઉપરાંત ભાજપે અયોધ્યામાં રામ મંદિર અને નાગરિકતા સંશોધન કાયદો (સીએએ) જેવા ભાવનાત્મક મુદ્દાઓ ઉઠાવવાનું શરૂ કર્યું છે.

ભાજપની વ્યૂહરચના તૃણમૂલ કોંગ્રેસના વિપક્ષી ગઠબંધન ઇન્ડિયાથી અલગ થવા અને પશ્ચિમ બંગાળમાં એકલા હાથે આગામી લોકસભા ચૂંટણી લડવાના નિર્ણય પર આધારિત છે. આ પગલાથી ભાજપમાં ટીએમસી (તૃણમુલ કોંગ્રેસ પાર્ટી) વિરોધી મત મેળવવાની આશા જાગી છે. ૨૦૧૪માં ભાજપને ૧૭ ટકા વોટ મળ્યા હતા, જે ૨૦૧૯માં વધીને ૪૦ ટકા થઇ ગયા હતા, જેના પરિણામે તેને ૧૮ લોકસભા બેઠક મળી હતી.

બંગાળમાં ૨૦૨૧ની વિધાનસભાની ચૂંટણીમાં હાર બાદ આંતરિક ઝઘડો અને ચૂંટણીલક્ષી આંચકાઓનો સામનો કરવા છતાં મમતા બેનર્જી સરકાર સામેના ભ્રષ્ટાચારના આરોપોનો ફાયદો ઉઠાવવાના ભાજપના પ્રયાસો નિષ્ફળ રહ્યા છે. લોકસભાની ૪૨માંથી ૩૫ બેઠકો જીતવાનું લક્ષ્ય નક્કી કરીને ભાજપ હવે રામ મંદિર અને સીએએ જેવા ભાવનાત્મક મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.

ભાજપના પ્રદેશ મહાસચિવ અગ્નિમિત્રા પોલે કહ્યું હતું કે રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા અને સીએએનો અમલ, બન્ને પાર્ટીના મહત્વના મુદ્દા છે. બન્ને મુદ્દાઓ ભાવનાત્મક છે અને લોકો તેમની સાથે જોડાઇ શકે છે.

ભાજપના સાંસદ અને ભૂતપૂર્વ પ્રદેશ પ્રમુખ દિલીપ ઘોષે કહ્યું કે સીએએ લાગુ કરવાના વચને ભાજપની ચૂંટણી સફળતામાં મહત્વની ભૂમિકા ભજવી છે. તેમણે કહ્યું કે, રામ મંદિરના મુદ્દાથી ભાજપને ભૂતકાળમાં ફાયદો થયો છે અને આ વખતે પણ તે પશ્ચિમ બંગાળ સહિત દેશભરના હિન્દુઓને એક કરવામાં મદદ કરશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button