નેશનલ

સુપ્રીમ કોર્ટની કડક ટિપ્પણી બાદ તમિલનાડુના રાજ્યપાલે સરકારને 10 પેન્ડિંગ બિલ પરત મોકલાવ્યા

ચેન્નઇ: તમિલનાડુ અને પંજાબની રાજ્ય સરકારોએ રાજ્યપાલોની બિનજરૂરી અને કારણ વગરની દખલગીરી અંગે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. જેના પર સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે તમિલનાડુ અને પંજાબના રાજ્યપાલો સામે કડક વલણ અપનાવ્યું હતું. હવે તમિલનાડુના રાજ્યપાલ આરએન રવિએ ગુરુવારે વિધાનસભામાં 10 પેન્ડિંગ બિલ પરત કર્યા છે. જેમાં અગાઉની AIADMK સરકાર દ્વારા પસાર કરાયેલા 2 બિલનો પણ સમાવેશ થાય છે.
રાજ્યના કાયદા વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે વિધાનસભા દ્વારા પસાર કરાયેલા બિલોને મંજૂરી આપવામાં રાજ્યપાલ રવિ દ્વારા બિનજરૂરી વિલંબ થયો હતો. તમિલનાડુ ઉપરાંત પંજાબ સરકારે પણ આવી જ એક ફરિયાદ કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે રાજ્યપાલની સહી વગર બિલ પાસ થતું નથી અને સહીમાં વિલંબને કારણે વિધાનસભાની કાર્યવાહીને નુકસાન થાય છે. બંને રાજ્યોની ફરિયાદો પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન કોર્ટે ફરિયાદોને “ગંભીર ચિંતાનો વિષય” ગણાવી હતી.
બિલ પરત ફર્યાના થોડા કલાકો બાદ તમિલનાડુ વિધાનસભાના અધ્યક્ષ એમ અપ્પાવુએ આગામી 18 નવેમ્બરે એક દિવસ પૂરતું વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવ્યું છે. એવી આશા રાખવામાં આવે છે કે શાસકપક્ષ ડીએમકે દ્વારા આ તમામ બિલોને રાજ્યપાલની મંજૂરી માટે સીધા રાજભવન મોકલી દેવાશે. જે બાદ રાજ્યપાલ માટે આ તમામ બિલ પર સહી કરવી ફરજિયાત બની જશે. રાજ્યપાલના હસ્તાક્ષર થતાં જ આ બિલ કાયદો બની જશે.
અગાઉ તમિલનાડુની ડીએમકે સરકારે સુપ્રીમ કોર્ટમાં દલીલ કરી હતી કે ભાજપ સરકાર દ્વારા નિયુક્ત રાજ્યપાલ આરએન રવિ જાણી જોઈને આ બિલોને મંજૂરી આપવામાં વિલંબ કરી રહ્યા છે. રાજ્ય સરકારે રાજ્યપાલ પર ચૂંટાયેલા વહીવટને નબળો પાડીને રાજ્યના વિકાસમાં અડચણ ઊભી કરવાનો આરોપ પણ લગાવ્યો હતો.
રાજ્યપાલ પાસે પેન્ડિંગ 10 બિલોમાં રાજ્ય સંચાલિત યુનિવર્સિટીઓમાં વાઇસ ચાન્સેલરની નિમણૂકના મામલે રાજ્યપાલની સત્તાને પ્રતિબંધિત કરતું બિલ પણ સામેલ છે. બીજું બિલ એઆઈએડીએમકેના ભૂતપૂર્વ પ્રધાનો પર કેસ ચલાવવાની પરવાનગી મેળવવા અંગેનું છે.
આની પહેલા નેશનલ એલિજિબિલિટી એન્ડ એન્ટ્રન્સ ટેસ્ટ (NEET)માંથી વિદ્યાર્થીઓને મુક્તિ આપતા બિલને લાંબા સમય સુધી પેન્ડિંગ રાખ્યા બાદ રાજ્યપાલ દ્વારા પરત કરવામાં આવ્યું હતું. બાદમાં આ બિલ ફરીથી વિધાનસભા દ્વારા પસાર કરવામાં આવ્યું હતું અને ભારતના રાષ્ટ્રપતિને મંજૂરી માટે મોકલવામાં આવ્યું હતું. રાજ્યપાલ દ્વારા ઓનલાઈન ગેમિંગ પર પ્રતિબંધ મૂકવાની માગણી કરતા બિલ પર પણ આ રીતે સમાન વલણ અપનાવવામાં આવ્યું હતું. સ્પીકરે કહ્યું હતું કે, “બિલને રોકવું એ ના કહેવાની નમ્ર રીત છે…”
સનાતન ધર્મ પર તમિલનાડુના પ્રધાન ઉદયનિધિ સ્ટાલિનના નિવેદનને લઈને રાજ્યમાં વિવાદ પણ થયો હતો. આ મુદ્દે રાજ્યપાલ અને સરકાર વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. આ સિવાય વિધાનસભામાં સરકાર દ્વારા આપવામાં આવેલ લેખિત ભાષણ વાંચતી વખતે રાજ્યપાલે બીઆર આંબેડકર, ઈવી પેરિયાર અને તમિલનાડુના પૂર્વ મુખ્યપ્રધાનો સીએન અન્નાદુરાઈ, કે કામરાજ અને કે કરૂણાનિધિના નામનો ઉલ્લેખ કર્યો ન હતો. આ અંગે પણ હોબાળો થયો હતો.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો