સંદેશખાલીની મુલાકાત બાદ રાષ્ટ્રીય મહિલા આયોગનાં વડાંએ બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાની માગણી કરી
કોલકાતા : તૃણમૂલ કૉંગ્રેસના અત્યાચાર વિરુદ્ધના દેખાવો દરમિયાન પશ્ચિમ બંગાળની સરકારે અનેક મહિલાઓના અવાજ રૂંધી દીધો હતો એવો આક્ષેપ કરતાં રાષ્ટ્રીય મહિલા આયોગનાં વડાં રેખા શર્માએ સોમવારે રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાની માગણી કરી હતી. દિવસ દરમિયાન શર્માના નેતૃત્વ હેઠળના એક પ્રતિનિધિમંડળે સંદેશખાલીની મુલાકાત લીધી હતી. તેમણે કહ્યું હતું કે મારી મુલાકાતનો હેતુ ત્યાંની મહિલાઓમાં વિશ્વાસનો સંચાર કરવાનો હતો જેથી તેઓ બહાર આવીને તેમના મનની વાત કહી શકે. તેમણે એવો આક્ષેપ કર્યો હતો કે મમતા બેનર્જી સરકાર સત્ય બહાર ન આવે એ માટે મહિલાઓનો અવાજ દબાવવાનો પ્રયાસ કરી રહી છે. રેખા શર્માએ કહ્યું હતું કે એ વિસ્તારની મહિલાઓ સાથે વાતચીત કર્યા બાદ મને ત્યાંની પરિસ્થિતિ ભયંકર લાગી હતી. એક મહિલાએ તો મને એમ કહ્યું હતું કે ટીએમસીની ઓફિસની અંદર મારા પર બળાત્કાર થયો હતો. અમે માગણી કરીએ છીએ કે પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવે. મહિલા પંચ ભાજપના પ્રભાવ હેઠળ કામ કરે છે એવા ટીએમસીના આક્ષેપ પર સવાલ પૂછવામાં આવતાં તેમણે ટીકા-ટીપ્પણી કરવાની ના પાડી હતી. (એજન્સી)ઉ