શાળાઓ બાદ હવે દિલ્હીમાં હૉસ્પિટલોને બૉમ્બથી ઉડાવવાની ધમકી
શાળાઓને બૉમ્બથી ઉડાવવાની ધમકી આપ્યા બાદ હવે દિલ્હીમાં ફરી એકવાર બોમ્બની ધમકી આપવામાં આવી છે. દિલ્હીની બુરારી સરકારી હોસ્પિટલ અને મંગોલપુરીની સંજય ગાંધી હોસ્પિટલને બોમ્બથી ઉડાવવાની ધમકી આપતો ઈમેલ મળ્યો છે. આ પછી સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. હોસ્પિટલની અંદર અને બહાર સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી છે.
ઈમેલની માહિતી મળતાની સાથે જ પોલીસ બંને હોસ્પિટલમાં ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. લોકોને હોસ્પિટલમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. હોસ્પિટલમાં સર્ચ ઓપરેશન ચાલુ છે. જો કે, હજુ સુધી હોસ્પિટલ પરિસરમાંથી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી.
હજી પહેલી મેના દિવસે જ દિલ્હીમાં 223 શાળાઓને ઈ-મેઈલ મોકલવામાં આવ્યા હતા કે તેમને બૉમ્બથી ઉડાવી મૂકવામાં આવશે. ઇ-મેઇલની ભાષા પણ ઘણી દ્વેષપૂર્ણ હતી. ઇ-મેઇલની ભાષા પરથી સ્પષ્ટ થતું હતું કે કોઇ એક ખાસ લઘુમતિ કોમ દ્વારા આવા ધમકીભર્યા મેસેજ આપવામાં આવ્યા હતા.