બિહારમાં નવી ઉપાધિઃ રાહુલ ગાંધી પછી હવે તેજસ્વી યાદવ કાઢશે અધિકાર યાત્રા, શા માટે જરુરિયાત ઊભી થઈ?

પટણા: બિહાર વિધાનસભાની ચૂંટણી ટાણે એસઆઈઆરનો મુદ્દો ગાજ્યો છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અને તેજસ્વી યાદવે એકસાથે વોટર અધિકાર યાત્રા કાઢી હતી, પરંતુ હવે તેજસ્વી યાદવ એકલા બિહારની યાત્રા કાઢશે. બિહારમાં ચૂંટણીનો માહોલ પૂરજોશમાં જામ્યો છે, ત્યારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ‘વૉટર અધિકાર યાત્રા’ પૂરી થયાના માત્ર 15 દિવસ બાદ જ આરજેડી (રાષ્ટ્રીય જનતા દળ) નેતા તેજસ્વી યાદવે પણ બિહારની યાત્રા શરૂ કરવાની જાહેરાત કરી છે. મંગળવારથી શરૂ થઈ રહેલી આ ‘બિહાર અધિકાર યાત્રા’ દ્વારા તેજસ્વી યાદવ 10 જિલ્લાના યાત્રા કરશે. આ યાત્રા દ્વારા તેઓ પોતાની અને આરજેડીની રાજકીય તાકાત દેખાડવાનો પ્રયાસ કરશે.
તેજસ્વી યાદવની યાત્રાનો પ્રારંભ 16 સપ્ટેમ્બરના રોજ જહાનાબાદથી થશે અને 20 સપ્ટેમ્બરના રોજ વૈશાલીમાં સમાપ્ત થશે. આ પાંચ દિવસની યાત્રામાં તેઓ નાલંદા, પટણા, બેગુસરાય, ખગડિયા, મધેપુરા, સહરસા, સુપૌલ અને સમસ્તીપુર જેવા જિલ્લાઓમાંથી પસાર થશે. આ યાત્રા દરમિયાન તેઓ નીતિશ કુમારના ગઢ ગણાતા નાલંદા, ગિરિરાજ સિંહના ગઢ બેગુસરાય અને પપ્પુ યાદવના મધેપુરા અને સુપૌલ જેવા વિસ્તારોમાં જનતા સાથે સીધો સંવાદ કરશે.
તેજસ્વી યાદવની આ યાત્રાનો ઉદેશ્ય શું?
રાહુલ ગાંધીની તાજેતરની યાત્રાથી બિહાર કોંગ્રેસમાં નવો પ્રાણ પૂરાયો છે. રાહુલની યાત્રાથી કોંગ્રેસને આરજેડી કરતાં વધુ ફાયદો થયો હોય તેવું દેખાઈ રહ્યું છે. આ યાત્રા પછી કોંગ્રેસ સીટ-શેરિંગ અને મુખ્યમંત્રી પદના ઉમેદવાર અંગે વધુ આત્મવિશ્વાસ સાથે વાત કરી રહી છે. આ સ્થિતિમાં તેજસ્વી યાદવ પોતાની એકલ યાત્રા દ્વારા આરજેડીના કાર્યકરોનો ઉત્સાહ વધારવા અને એ સાબિત કરવા માંગે છે કે તેઓ મહાગઠબંધનના એકમાત્ર નિર્વિવાદિત નેતા છે તેમજ મુખ્ય પ્રધાન પદ માટે જનતાની પહેલી પસંદ છે. આરજેડીના પ્રદેશ મહાસચિવ રણવિજય સાહૂએ પણ આ યાત્રામાં પાર્ટીના તમામ નેતાઓને સામેલ થવા માટે પત્ર લખ્યો છે, જેથી તેજસ્વીની નેતાગીરીને વધુ મજબૂતી મળે.
બિહારની જનતાના સાચા મુદ્દાઓ માટે યાત્રા
તેજસ્વી યાદવ આ પહેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સાથેની યાત્રામાં જોડાયા હતા અને હવે તેઓ એકલા મેદાનમાં ઉતરીને જનતા સાથે જોડાવાનો પ્રયાસ કરશે. આરજેડીનું સ્પષ્ટ કહેવું છે કે આ યાત્રા બિહારની જનતાના સાચા મુદ્દાઓ ઉઠાવવા અને વિપક્ષની તાકાત બતાવવાનું સાધન છે. આ દરમિયાન તેજસ્વી બેરોજગારી, શિક્ષણ, આરોગ્ય, ખેડૂતોની સમસ્યાઓ અને મોંઘવારી જેવા મુદ્દાઓ પર સરકારને ઘેરશે. જોકે, બંને પક્ષ એકબીજાની સાથે ચાલતા હોવા છતાં અલગ અલગ રીતે પોતાનું બ્રાન્ડિંગ કરવાની હોડમાં લાગ્યા હોવાથી આગામી દિવસોમાં કોંગ્રેસ અને આરજેડીનું ચિત્ર વધુ ક્લિયર થશે એવું કહી શકાય.
આપણ વાંચો: ‘સમગ્ર પ્રક્રિયા રદ કરીશું’ આ મામલે સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને આકરા શબ્દોમાં ચેતવણી આપી