સામાન્ય જનતા માટે દર્શન ખુલ્લા મુકાતાં અયોધ્યામાં ઊમટ્યું ભક્તોનું ઘોડાપૂર
અયોધ્યા: અયોધ્યા રામમંદિરમાં રામલલાની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવ્યાના એક દિવસ બાદ એટલે કે મંગળવારે ભગવાનના દર્શન માટે ભારે સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઊમટી પડ્યા હતા. અયોધ્યા રામમંદિર કોમ્પલેક્સના પરિસરમાં હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઊમટ્યા હતા.
શ્રદ્ધાળુઓને કાબુમાં લેવામાં અર્ધલશ્કરી દળ અને પોલીસને ભારે જહેમત ઉઠાવવી પડી હતી. અનેક લોકો દર્શન માટે સોમવારની રાતથી જ લાઈનમાં ઊભા રહી ગયા હતા. મંદિર તરફ આગળ વધવામાં થયેલી પડાપડીમાં ઓછાંમાં ઓછી એક વ્યક્તિ બેભાન થઈ ગઈ હતી.
બપોર થતાં સુધીમાં ભીડમાં ભારે વધારો થયો હતો અને રામપથ પર શ્રદ્ધાળુઓ રીતસરના ઘસડાઈ રહ્યા હતા. કડકડતી ઠંડી છતાં ભગવાન રામની તસવીર ધરાવતા ધ્વજ અને જય શ્રીરામના સૂત્રોચ્ચાર સાથે શ્રદ્ધાળુઓ
રામલલાના દર્શન માટે મંદિરના દ્વાર ઉઘડવાની રાહ જોતા કલાકો લાઈનમાં ઊભા રહ્યા હતા.
રામલલાના દર્શન કરીને મારાં જીવનનું લક્ષ્ય પૂરું થયું હોવાનું જણાવતાં એક શ્રદ્ધાળુએ આનંદ વ્યક્ત કરતાં કહ્યું હતું કે આપણા પૂર્વજોની મહેનત ફળી છે. રામનું શાસન યુગો સુધી રહે એવી ઈચ્છા તેણે વ્યક્ત કરી હતી.
મંદિરનું નિર્માણ ભવ્ય અને દિવ્ય હોવા ઉપરાંત તેનો પાયો પણ એટલો મજબૂત નાખવામાં આવ્યો છે કે આવતા હજાર કરતા પણ વધુ વર્ષ સુધી મંદિરને આંચ નહીં આવે.
મંગળવારે સવારે મંદિરના દ્વારા સામાન્ય જનતા માટે ઉઘાડવામાં આવ્યા હતા.
આ શ્રદ્ધાળુઓ લાંબો અને મુશ્કેલ પ્રવાસ કરીને પ્રાણપ્રતિષ્ઠાના દિવસો અગાઉ જ અયોધ્યા આવી ગયા હતા.
નીતિશકુમાર નામનો એક શ્રદ્ધાળુ સાઈકલ પર ૬૦૦ કિ.મી. પ્રવાસ કરીને અયોધ્યા પહોંચ્યો હતો. (એજન્સી)