અફઘાનિસ્તાન સામે આઠ વિકેટે પરાજ્ય થતાં પાકિસ્તાન વિશ્ર્વકપમાંથી બાકાત થવાની શક્યતા
ચેન્નઇ: વર્લ્ડ કપની ૨૨મી મેચમાં અફઘાનિસ્તાને પાકિસ્તાનને આઠ વિકેટથી કચડ્યુ હતું. આ વર્લ્ડ કપમાં આ ત્રીજો અપસેટ છે. અગાઉ અફઘાનિસ્તાને ઈંગ્લેન્ડને હરાવ્યું હતું અને દક્ષિણ આફ્રિકાને નેધરલેન્ડ સામે હારનો સામનો કરવો પડ્યો હતો.ચેન્નઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં ટોસ જીતીને બેટિંગ કરતા પાકિસ્તાને ૨૮૨ રન કર્યા હતા. જેના જવાબમાં અફઘાનિસ્તાને બે વિકેટ ગુમાવીને ૨૮૬ રન કરી મેચ જીતી લીધી હતી. ઇબ્રાહિમ ઝદરાનને શાનદાર બેટિંગ બદલ મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો. આ હાર સાથે જ પાકિસ્તાન વિશ્ર્વકપમાંથી બહાર ફેંકાય એવી શક્યતા નિર્માણ થઈ છે.
આ સાથે જ આ જીત બાદ
અફઘાન ટીમે પોઈન્ટ ટેબલમાં મોટી છલાંગ લગાવી છે. આ મેચ પહેલા અફઘાનિસ્તાનની ટીમ પોઈન્ટ ટેબલમાં છેલ્લા સ્થાને હતી, પરંતુ હવે તે છઠ્ઠા સ્થાને પહોંચી ગઈ છે.
પાકિસ્તાનના ૨૮૨ રનના જવાબમાં અફઘાનિસ્તાનની ટીમે શાનદાર શરૂઆત કરી હતી. ઓપનર રહેમાનુલ્લા ગુરબાઝ અને ઈબ્રાહિમ ઝદરાન વચ્ચે ૧૩૦ રનની ભાગીદારી થઈ હતી. રહેમાનુલ્લાહ ગુરબાઝ ૬૫ રન કરી શાહીન આફ્રિદીનો શિકાર બન્યો હતો. ઈબ્રાહિમ ઝદરાને ૧૧૩ બોલમાં ૮૭ રનની શાનદાર ઈનિંગ રમી હતી.
આ પછી અફઘાનિસ્તાનના કેપ્ટન હશમતુલ્લાહ શાહિદી અને રહમત શાહે જવાબદારી લીધી. બંને ખેલાડીઓ વચ્ચે ૯૬ રનની ભાગીદારી નોંધાઈ હતી. રહમત શાહે ૭૭ રન કર્યા હતા. શાહિદીએ ૪૫ બોલમાં ૪૮ રનની ઇનિંગ રમી હતી.
પાકિસ્તાન તરફથી શાહીન આફ્રિદી અને હસન અલીને ૧-૧ સફળતા મળી હતી. પરંતુ આ સિવાય બાકીના પાકિસ્તાની બોલરોએ નિરાશ કર્યા હતા.