
દુનિયાના તમામ દેશો ભારતીયો માટે નોકરીના દરવાજા ખોલી રહ્યા છે. તાજેતરમાં જ ઈઝરાયેલે ભારતમાંથી મોટી સંખ્યામાં કામદારોની માંગણી કરી છે. આ પછી હવે સમાચાર આવી રહ્યા છે કે તાઈવાન એક લાખથી વધુ ભારતીયોને નોકરી આપવાનું વિચારી રહ્યું છે. માહિતી મળી રહી છે કે તાઈવાન ભારતીયોને ફેક્ટરીઓ, ફાર્મ અને હોસ્પિટલોમાં નોકરી આપશે. રિપોર્ટ અનુસાર, આવતા મહિનાની શરૂઆતમાં આટલા કર્મચારીઓ તાઈવાન જઈ શકે છે.
તાઈવાનમાં બેરોજગારીનો દર સૌથી નીચા સ્તરે પહોંચી ગયો છે. આવી સ્થિતિમાં ઉત્પાદન, આરોગ્ય અને કૃષિ ક્ષેત્રે મોટી સંખ્યામાં કામદારોની જરૂર છે. આવી સ્થિતિમાં તેણે ભારત પર નજર દોડાવી છે. રિપોર્ટ એમ પણ સૂચવે છે કે ભારત અને તાઈવાન વચ્ચે આવતા મહિને નોકરીઓ અંગે સમજૂતી થઈ શકે છે. આ પહેલા હમાસ સાથેના યુદ્ધ વચ્ચે ઈઝરાયલે પણ એક લાખ ભારતીયોને નોકરીની ઓફર કરી છે.
આ માહિતી આપતા વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું કે ભારત અને તાઈવાન વચ્ચે નોકરીઓ અંગેનો કરાર લગભગ અંતિમ તબક્કામાં છે. આ સમજૂતી એવા સમયે થઈ રહી છે જ્યારે તાઇવાનમાં વૃદ્ધોની વસતી ઝડપથી વધી રહી છે અને યુવાનોની તંગી છે. એક અહેવાલ સૂચવે છે કે 2025 સુધીમાં, તાઈવાનની 20 ટકાથી વધુ વસ્તી 80 વર્ષની થઈ જશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ભારત અને તાઈવાન વચ્ચેની આ પ્રકારની સમજૂતીથી ચીનની ઊંઘ હરામ થઈ શકે છે.
તાઈવાને કહ્યું છે કે ભારતના કુશળ કામદારોને તેમના દેશના કામદારો જેટલો જ સમાન પગાર અને વીમા જેવી તમામ સુવિધાઓ આપવામાં આવશે. આ પહેલા જાપાન, ઓસ્ટ્રેલિયા અને ફ્રાન્સ સહિત 13 દેશો ભારત સાથે આવા કરાર કરી ચૂક્યા છે. તાજેતરમાં, 90,000 પેલેસ્ટિનિયનોની પરમિટ રદ કર્યા પછી, ઇઝરાયેલે તાત્કાલિક અસરથી ભારત પાસે એક લાખ કામદારોની માંગ કરી હતી.