
મુંબઈ : અમેરિકન શોર્ટ સેલર કંપની હિંડનબર્ગ રિસર્ચના(Hindenburg)નવા રિપોર્ટમાં સેબીના ચેરપર્સન માધવી પુરી બૂચ અને તેમના પતિ ધવલ બુચ પર અદાણી ગ્રુપને લઇને અનેક આરોપો લગાવવામાં આવ્યા છે. સેબીના વડા અને તેમના પતિએ સંયુક્ત નિવેદન જાહેર કરીને હિંડનબર્ગના આરોપોને નકારી કાઢ્યા હતા અને તેમને સંપૂર્ણપણે પાયાવિહોણા ગણાવ્યા હતા. અદાણી ગ્રૂપે હિંડનબર્ગ રિસર્ચ દ્વારા કરાયેલા નવા આરોપોને જાહેર માહિતી સાથે પસંદગીયુક્ત રીતે ચેડાં કરનાર ગણાવ્યા છે.
અદાણી ગ્રૂપે સ્પષ્ટતા કરી
અદાણી ગ્રૂપે સ્પષ્ટતા કરી છે કે માર્કેટ રેગ્યુલેટર સેબીના ચેરપર્સન અથવા તેમના પતિ સાથે તેનો કોઈ વ્યવસાયિક સંબંધ નથી. સેબીએ રોકાણકારોને ગભરાવાની અને ડરથી શેર નહિ વેચવાની સલાહ પણ આપી છે. સેબીએ કહ્યું છે કે હિંડનબર્ગના રિપોર્ટથી ગેરમાર્ગે ન દોરાવું જોઈએ. જો કે તેમ છતાં આજે ભારતીય બજારમાં મોટી વધઘટ જોવા મળી શકે છે.
આજે પણ બજારમાં વધઘટ જોવા મળી શકે છે
છેલ્લા એક સપ્તાહ દરમિયાન નિફ્ટી સેન્સેક્સમાં મોટી વધઘટ જોવા મળી છે. બજારના જાણકારોનું કહેવું છે કે હિંડનબર્ગના નવા આક્ષેપો બાદ આજે પણ બજારમાં વધઘટ જોવા મળી શકે છે. સોમવારે શરૂઆતી કારોબારમાં બજારમાં ઘટાડો જોવા મળી શકે છે. જોકે અત્યારે કોઈ મોટા ઘટાડાની શક્યતા નથી. શરૂઆતી કારોબાર બાદ બજારમાં સુધારાની પૂરી આશા છે.
મિડ અને સ્મોલ કેપમાં જોખમ વધુ રહેશે
બજારના નિષ્ણાતોનું કહેવું છે કે ભારતીય શેરબજારમાં સ્મોલ કેપ અને મિડ કેપ ખૂબ ઊંચા વેલ્યુએશન પર ટ્રેડ થઈ રહ્યા છે. જો માર્કેટમાં ઘટાડો જોવા મળે તો અહીં મોટું કરેક્શન જોવા મળી શકે છે. સ્મોલ કેપ, મિડ કેપ રોકાણકારોએ સાવધાન રહેવાની જરૂર છે પરંતુ બજારમાં મોટા ઘટાડાની કોઈ શક્યતા નથી. આ વખતે પહેલા જેવું ગભરાટનું વાતાવરણ રહેશે નહીં.
Also Read –