ઇઝરાયલ પર હમાસ પછી હવે લેબેનોનનો હુમલો
ઇઝરાયલ-પેલેસ્ટાઇન યુદ્ધમાં ૧,૦૦૦નાં મોત
તેલ અવીવ: ઇઝરાયલ અને પેલેસ્ટાઇનના ત્રાસવાદી જૂથ ‘હમાસ’ની વચ્ચેના યુદ્ધે વધુ ભીષણ સ્વરૂપ ધારણ કર્યું છે અને રવિવારે કુલ મરણાંક આશરે ૧,૦૦૦ થઇ ગયો હતો તેમ જ અન્ય અસંખ્ય લોકો ઘાયલ થયા છે. મરણાંકમાં હજી ઘણો વધારો થવાનો ભય છે. બન્ને પક્ષે જાનમાલની મોટા પાયે હાનિ થઇ રહી છે.
દરમિયાન, લેબેનોનની બાજુએથી અન્ય ત્રાસવાદી જૂથ હિઝબુલ્લાહે ઇઝરાયલના લશ્કર પર તોપમારો શરૂ કર્યો હતો અને તેના જવાબમાં ઇઝરાયલના લશ્કરે લેબેનોનની સરહદે દુશ્મનોની છાવણીઓ પર વળતો હુમલો કર્યો હતો.
ઇજિપ્તમાં એક પોલીસ અધિકારીએ બે ઇઝરાયલી પર્યટકને ઠાર માર્યા હતા. હમાસ અને હિઝબુલ્લાહ જૂથે ઇઝરાયલ પર કરેલા હુમલાની ઇરાક, તુર્કી, જોર્ડન, ઇરાન સહિતના અનેક મુસ્લિમ, ખાસ કરીને આરબ દેશોમાં ઉજવણી કરાઇ રહી છે અને અનેક આરબ દેશે ઇઝરાયલ સામે ફરી મોરચો માંડ્યો છે.
ઇજિપ્તે ઇઝરાયલ અને પેલેસ્ટાઇન વચ્ચેના યુદ્ધને બંધ કરાવવા સઉદી અરેબિયા અને જોર્ડન સાથે મંત્રણા કરી હતી, પરંતુ તેના કોઇ પરિણામ આવવાની શક્યતા બહુ ઓછી જણાય છે. ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતાન્યાહુએ તો દુશ્મનોનો સર્વનાશ કરવાની હાકલ કરી હતી.
ભારતના અનેક લોકો યુદ્ધગ્રસ્ત ઇઝરાયલ અને આસપાસના દેશોમાં ફસાયા છે, પરંતુ તેઓ હાલમાં સલામત હોવાનું કહેવાય છે.
મેઘાલયના મુખ્ય પ્રધાન કોર્નાડ કે. સંગમાએ પોતાના રાજ્યના ૨૭ જણ આ લડાઇગ્રસ્ત વિસ્તારમાં ફસાયા હોવાની જાણ વિદેશ મંત્રાલયને કરીને તેઓને બચાવવા માટે મદદ માગી હતી.
યુકે, અમેરિકા અને યુરોપના દેશોએ ઇઝરાયલ અને પેલેસ્ટાઇનના ત્રાસવાદી સંગઠન વચ્ચે ફરી શરૂ થયેલા યુદ્ધ અંગે ચિંતા વ્યક્ત કરી હતી.
ગાઝા પટ્ટી સહિતના કેટલાક વિસ્તારના કબજા માટે ઇઝરાયલ અને પેલેસ્ટાઇન વચ્ચે અનેક વર્ષોથી ઘર્ષણ ચાલી રહ્યું છે. યહૂદી અનુયાયીઓની મોટી જનસંખ્યા ધરાવતા ઇઝરાયલ અને તેની આસપાસના અનેક મુસ્લિમ, ખાસ કરીને આરબ દેશો વચ્ચે ૧૯૪૮થી મોટા પાયે સશસ્ત્ર ઘર્ષણ ચાલી રહ્યું છે અને એકબીજાના દેશ પર અવારનવાર હુમલા કરાય છે.
પેલેસ્ટાઇનના ત્રાસવાદી જૂથ ‘હમાસ’એ શનિવારે ઇઝરાયલ પર અંદાજે પાંચ હજાર રોકેટ છોડ્યાં હતાં. ઇઝરાયલે જવાબમાં ગાઝા પટ્ટી પર પણ અનેક રોકેટ છોડ્યાં હતાં. ઇઝરાયલના લશ્કરે પેલેસ્ટાઇનની સામે ‘ઑપરેશન આયર્ન સ્વૉર્ડ’ શરૂ કર્યું હતું. પેલેસ્ટાઇન ઇસ્લામિક જેહાદના અનેક નેતાને મારવા મોટા પાયે હુમલા શરૂ કરાયા હતા. પેલેસ્ટાઇન ઇસ્લામિક જેહાદે આક્ષેપ કર્યો હતો કે ઇઝરાયલ દ્વારા કરાયેલા વળતા હુમલામાં અસંખ્ય સામાન્ય નાગરિક પણ માર્યા ગયા હતા.
ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતાન્યાહુએ ટેલિવિઝન પર રાષ્ટ્રજોગા પ્રવચનમાં લશ્કરને યુદ્ધમાં દુશ્મનોનો સર્વનાશ કરવા દરેક પગલાં લેવાની હાકલ કરી હતી અને જણાવ્યું હતું કે દુશ્મનોએ ઇઝરાયલ પરના આ હુમલાના ગંભીર પરિણામ ભોગવવા પડશે. હવે માત્ર વિનાશક યુદ્ધ જ થશે. શત્રુઓ પર તેઓની કલ્પનાની બહાર હોય એવા મોટા હુમલા કરાશે.
હમાસના ત્રાસવાદીઓએ શનિવારે ગાઝા પટ્ટીના વિસ્તારમાંથી ઇઝરાયલ પર હવાઇ, ભૂમિ અને જળમાર્ગે હુમલા શરૂ કર્યા હતા. હમાસે પોતાના દ્વારા પકડાયેલા ત્રણ માણસ દર્શાવતી વીડિયો ક્લિપ બહાર પાડી હતી અને પકડાયેલા આ લોકોને દુશ્મન ગણાવ્યા હતા. હમાસે આ ઉપરાંત ઇઝરાયલના અન્ય અનેક લોકોને પકડ્યા હોવાનો દાવો કરાય છે અને તેઓના જાન હવે જોખમમાં છે.
દક્ષિણ ઇઝરાયલના શહેર બિર્શેબાની હૉસ્પિટલમાં સેંકડો ઘાયલ લોકો સારવાર લઇ રહ્યા છે. હૉસ્પિટલમાં લવાયેલા ઇઝરાયલના લોકો સામાન્ય નાગરિક છે કે સૈનિકો, તે હજી સ્પષ્ટતા નથી કરાઇ.
ઇઝરાયલમાં નાગરિકોને ઇઝરાયલી હૉમ ફ્રન્ટ કમાંડની વૅબસાઇટ નિયમિત જોતા રહેવા અને તેમાં અપાતી સૂચનાનું પાલન કરવાની સૂચના પણ અપાઇ હતી.
ત્રાસવાદી જૂથ હમાસની સશસ્ત્ર પાંખ ‘એઝેદિન અલ-કાસમ બ્રિગેડ્સ’એ બહાર પાડેલા નિવેદનમાં જણાવ્યું હતું કે દુશ્મન ઇઝરાયલના કબજા હેઠળના પ્રદેશને પાછો લેવાનો અને તેઓને પાઠ ભણાવવાનો સમય આવી ગયો છે.
ગાઝા પટ્ટીમાં ભીડ ઇઝરાયલના સૈનિકોના મૃતદેહને ઘસડી જતી હોવાનો વીડિયો પણ વાઇરલ થયો છે. દક્ષિણ અને મધ્ય ઇઝરાયલમાં યુદ્ધથી જાનમાલની ભારે હાનિ થઇ છે. રોકેટ હુમલામાં ઘણી ઇમારત અને વાહનોને પણ નુકસાન થયું છે.
ઇઝરાયલના સંરક્ષણ પ્રધાન યોવ ગૈલેંટે જણાવ્યું હતું કે પેલેસ્ટાઇને દક્ષિણ અને મધ્ય ઇઝરાયલ પર હુમલો કરીને મોટી ભૂલ કરી છે અને તેઓને જડબાતોડ જવાબ અપાશે. (એજન્સી)