
નવી દિલ્હી: છેલ્લા ઘણા સમયથી ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષનું કોકડું ગૂંચવાયેલુ છે, આ બાબતે સ્થિતિ હજુ સુધી સાફ થઈ શકી નથી. તાજેતરમાં જ ગુજરાતમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષના નામની જાહેરાત કરવામાં આવી હતી, ત્યારે હવે રાષ્ટ્રીય અધ્યક્ષને લઈને અનેક અટકળો તેજ થઈ ગઈ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ભાજપ ઉત્તર પ્રદેશ ચૂંટણી પહેલા તેના રાષ્ટ્રીય અધ્યક્ષની જાહેરાત કરી શકે છે. હાલમાં, આ બાબતે કોઈ સત્તાવાર નિવેદન જારી કરવામાં આવ્યું નથી. એવી પણ અટકળો છે કે ભાજપ બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા નવા નેતાની નિમણૂક કરી શકે છે.
અહેવાલો અનુસાર, રાષ્ટ્રીય અને ઉત્તર પ્રદેશ અધ્યક્ષ માટે વિચાર-વિમર્શનો દોર પૂર્ણ થઈ ગયો છે. આવનારા દિવસોમાં ભાજપ દિલ્હી, હરિયાણા, કર્ણાટક અને ત્રિપુરાના પ્રદેશ અધ્યક્ષોની જાહેરાત કરી શકે છે. તે સાથે જ, રાષ્ટ્રીય અધ્યક્ષની નિમણૂક થયા પછી યુપી ભાજપને નવા પ્રમુખ મળી શકે છે. અહેવાલ મુજબ, પાર્ટીના નેતૃત્વએ હવે એ નિર્ણય લેવાનો છે કે તેઓ ઓબીસી (OBC) ચહેરાને પસંદ કરશે કે પછી બ્રાહ્મણ નેતાની પસંદગી કરશે.
યુપી અધ્યક્ષના નામની જાહેરાત બિહાર વિધાનસભાની ચૂંટણી પછી થઈ શકે છે. આ બંને નિમણૂકો માટે ભાજપ સૌપ્રથમ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને વિશ્વાસમાં લેશે. રાષ્ટ્રીય અધ્યક્ષ પદના સંબંધમાં ૮૦થી વધુ ભાજપ નેતાઓ પાસેથી સૂચનો માંગવામાં આવ્યા છે, જેમાં કેટલાક સક્રિય અને કેટલાક દિગ્ગજ નેતાઓનો સમાવેશ થાય છે. હાલમાં, જગત પ્રકાશ નડ્ડા ભાજપની કમાન સંભાળી રહ્યા છે, જેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારમાં કેન્દ્રીય પ્રધાન પણ છે.
અહેવાલ મુજબ, પાર્ટીમાં ચાલી રહેલી ચર્ચાઓમાં બે નેતાઓના નામ સામે આવી રહ્યા છે, જેમણે મોટા સ્તરે ભાજપમાં ચૂંટણીની જવાબદારીઓ સંભાળી છે. સાથે જ એક પૂર્વ મુખ્ય પ્રધાનના નામની પણ ચર્ચા છે. સૂત્રોએ જણાવ્યું કે, દક્ષિણ ભારતીય રાજ્યમાંથી આવતા એક કેન્દ્રીય પ્રધાને પોતાને આ પદ માટે સક્ષમ માનવાનો ઇનકાર કર્યો છે. જ્યારે પૂર્વ મુખ્ય પ્રધાને સૂચન કર્યું છે કે ભાજપના અધ્યક્ષની ઉંમર લગભગ ૬૦ વર્ષની આસપાસ હોવી જોઈએ.
આ પણ વાંચો…જગદીશ પંચાલ ગુજરાત ભાજપના 14મા પ્રદેશ પ્રમુખ તરીકે કાર્યભાર સંભાળ્યો, પાટીલને લઈ કહી આ વાત