વાયનાડથી ઉમેદવારીપત્ર ભર્યા પછી રોડશોમાં રાહુલ ગાંધીએ કહી મોટી વાત, જો અમારી સરકાર બની તો…
વાયનાડઃ કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ વાયનાડ બેઠક પરથી ઉમેદવારી નોંધાવી છે. ઉમેદવારી નોંધાવતા પહેલા તેમણે વાયનાડમાં રોડ શો કર્યો હતો. આ દરમિયાન તેમનું ભાવભર્યુ સ્વાગત થયું હતું. 2019માં અહીં રાહુલે ચાર લાખ મતની સરસાઈ મેળવી હતી. હવે રાહુલ ફરી અહીંથી ચૂંટણી લડવાના છે.
રાહુલ ગાંધીનો રોડ શો સવારે 11 વાગે શરૂ થયો હતો. તેમણે લોકોને સંબોધિત કરતા જણાવ્યું હતું કે સંસદનો સભ્ય બનવું મારા માટે સન્માનની વાત છે. હું તમને એક મતદાર તરીકે જોતો નથી. હું તમારી સાથે એવો જ વ્યવહાર કરું છું, જેવો હું મારી બહેન સાથે કરું છું કારણ કે વાયનાડના દરેક ઘરમાં મારી માતા, બહેન, પિતા, ભાઈ રહે છે. રાહુલએ એમ પણ કહ્યું કે હવે આપણે ન્યાયના નવા યુગમાં પ્રવેશ કરી રહ્યા છીએ. હું તમારી નિષ્ઠાપૂર્વક સેવા કરવા માગુ છું.
રાહુલ ગાંધીએ માનવ-પ્રાણી સંઘર્ષના મુદ્દે પણ ટિપ્પણી કરી છે. તેણે કહ્યું કે રાજ્યમાં માનવ-પ્રાણી સંઘર્ષ અને મેડિકલ કોલેજ બનાવવા જેવા મુદ્દા છે. હું આ લડાઈમાં વાયનાડના લોકોની સાથે ઉભો છું. અમે મેડિકલ કોલેજ બનાવવા માટે સરકાર પર દબાણ લાવવાનો પણ પ્રયાસ કર્યો. મેં એક પત્ર પણ લખ્યો હતો, પરંતુ કમનસીબે પ્રક્રિયા આગળ વધી શકી નથી. મને વિશ્વાસ છે કે દિલ્હીમાં અમારી સરકાર બનશે અને જ્યારે કેરળમાં પણ અમારી સરકાર બનશે ત્યારે અમે આ મુદ્દાઓને ઉકેલીશું.
આ રેલીમાં રાહુલ ગાંધીની બહેન પ્રિયંકા ગાંધી ઉપરાંત અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિ (AICC)ના મહાસચિવ કે.સી. વેણુગોપાલ અને દીપા દાસ, AICCના વિદ્યાર્થી એકમ ઈન્ચાર્જ નેશનલ સ્ટુડન્ટ્સ ઓર્ગેનાઈઝેશન ઓફ ઈન્ડિયા (NSUI) કન્હૈયા કુમાર, રાજ્ય વિધાનસભામાં વિપક્ષ કે.વી. ડી. સતીશન અને કેપીસીસી (કેરળ પ્રદેશ કોંગ્રેસ સમિતિ)ના કાર્યકારી પ્રમુખ એમએમ હસન પણ હાજર હતા.