કેન્દ્રીય પ્રધાન બન્યા બાદ સિંધિયાને યાદ આવી કૉંગ્રેસ, કહ્યુ કે…
મોદી સરકારના ત્રીજા કાર્યકાળમાં ઘણા મંત્રીઓના પોર્ટફોલિયોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. કેન્દ્રીય પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાને પણ આ વખતે નાગરી ઉડ્ડયન મંત્રાલયને બદલે ટેલિકોમ મંત્રાલય મળ્યું છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલય રામ મોહન નાયડુ પાસે ગયું છે. દરમિયાન સિંધિયા કોંગ્રેસના દિવસોને યાદ કરીને ભાવુક થઈ ગયા છે.
મોદી સરકાર 3.0માં જ્યોતિરાદિત્ય સિંધિયાને ટેલિકોમ મંત્રાલય ફાળવવામાં આવ્યું છે. આ તેમને માટે 360 ડિગ્રીનો એક ચકરાવો લઇ વર્તુળ પૂરું કરવા જેવું છે. સિંધિયાને તેમના કોંગ્રેસ કાળના દિવસો યાદ આવી ગયા હતા. કોંગ્રેસ સરકારમાં તેમને આ મંત્રાલય હેઠળ એક નાનું પદ આપવામાં આવ્યું હતું. 2007, 2008 અને 2009માં જ્યોતિરાદિત્ય સિંધિયા ટેલિકોમ્યુનિકેશન વિભાગમાં જુનિયર મંત્રી હતા. હવે તેમને સમગ્ર મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી છે.
मैं ईश्वर की शपथ लेता हूँ… pic.twitter.com/jTyPl9lBCe
— Jyotiraditya M. Scindia (@JM_Scindia) June 9, 2024
કોંગ્રેસના દિવસોને યાદ કરતાં જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું હતું કે આ મંત્રાલય સાથે મારો જૂનો સંબંધ છે. ત્રણ વર્ષ સુધી મેં ટેલિકોમ્યુનિકેશન વિભાગમાં જુનિયર મંત્રી તરીકે કામ કર્યું છે. વડાપ્રધાનના નેતૃત્વમાં હું લોકોની અપેક્ષાઓ પર ખરા ઉતરવાનો પૂરો પ્રયાસ કરીશ. જ્યોતિરાદિત્ય સિંધિયાએ જણાવ્યું હતું કે દેશના ટેલિકોમ વિભાગ અને ટપાલ વિભાગ પાસે માત્ર સ્થાનિક જ નહીં પરંતુ વૈશ્વિક મંચ પર પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવાની શક્તિ છે. વડાપ્રધાનના નેતૃત્વમાં બંને વિભાગો ઉત્તમ કામગીરી કરશે. અમે 140 કરોડ દેશવાસીઓને દરેક સુવિધા આપવામાં કોઈ કસર છોડીશું નહીં.
જ્યોતિરાદિત્ય સિંધિયાએ દૂરસંચાર મંત્રાલય તેમજ પૂર્વોત્તર ક્ષેત્રના વિકાસ મંત્રાલયનો હવાલો સંભાળ્યો છે. જોકે, ટેલિકોમ મંત્રી તરીકે સિંધિયાને અનેક પડકારોનો સામનો કરવો પડશે. દેશના ટેલિકોમ સેક્ટરમાં માત્ર ત્રણ મોટી કંપનીઓ છે – એરટેલ, જિયો અને વોડાફોન આઈડિયા. આમાંથી વોડાફોન આઈડિયા ખૂબ જ દેવામાં ડૂબી ગઈ છે. આ કંપનીમાં સરકારનો પણ નોંધપાત્ર હિસ્સો છે. આ સિવાય ટેલિકોમ્યુનિકેશન એક્ટ 2023નો અમલ કરવો પણ સિંધિયા માટે એક પડકારજનક કાર્ય સાબિત થશે.