અયોધ્યા પછી યુપીમાં વધુ એક તીર્થસ્થળને ડેવલપ કરાશે, સીએમ યોગીએ કરી મોટી જાહેરાત
ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે સીતાપુરમાં આવેલા હિંદુ તીર્થસ્થાન નૈમિષારણ્યને લઇને મોટી જાહેરાત કરી છે. સીએમ યોગીએ જણાવ્યું છે કે અયોધ્યા સ્થિત રામ મંદિરની જેમ જ નૈમિષારણ્યનો યાત્રાધામ તરીકે વિકાસ કરવામાં આવશે.
સીએમ યોગીએ સીતાપુરના નૈમિષારણ્ય તીર્થધામની મુલાકાતે પહોંચી મંદિરમાં પૂજા-અર્ચના અને હવન કર્યો હતો. ત્યારબાદ પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે પહેલાની સરકારોએ આ સ્થળની ઉપેક્ષા કરી હતી, પરંતુ અમારી સરકારમાં નૈમિષ ધામના વિકાસના કામો માટે ધનની અછત નથી. આજે આખો દેશ નૈમિષારણ્ય તીર્થધામની મુલાકાત લેવા માગે છે. અયોધ્યામાં રામ મંદિરની મુલાકાતે આવનારા શ્રદ્ધાળુઓ અહીં પણ આવશે.
સીએમ યોગીએ જણાવ્યું, “આપણે મુલાકાત લેનારા શ્રદ્ધાળુઓ માટે અનુકૂળ વાતાવરણ ઉભું કરવું પડશે, આપણે એ સુનિશ્ચિત કરવું પડશે કે યાત્રાળુઓ સાથે સારો વ્યવહાર થાય. સીતાપુરમાં વિકાસના કામો માટે 550 કરોડ રૂપિયાથી વધુની યોજનાઓનું લોકાર્પણ અને શિલાન્યાસના કાર્યક્રમો થયા. 91 કરોડની 29 પરિયોજનાઓનું ઉદ્ધાટન કર્યું અને 460 કરોડ રૂપિયાની 45 પરિયોજનાઓની આધારશિલા મુકી.” તેમ સીએમ યોગીએ જણાવ્યું હતું.
નૈમિષારણ્ય તીર્થધામ લખનૌથી નજીક સીતાપુરમાં આવેલું એક પ્રાચીન તીર્થધામ છે. કહેવાય છે કે અહીં મહાપુરાણો લખવામાં આવ્યા અને અહીંજ પહેલીવાર સત્યનારાયણની કથા યોજાઇ હતી. આ ધામનો ઇતિહાસ રામાયણ સાથે જોડાયેલો છે. અહીં જ ભગવાન શ્રીરામે અશ્વમેઘ યજ્ઞ કર્યો હતો. વાલ્મિકી, લવકુશ સાથે પણ આ જગ્યા સંબંધિત છે. તેમજ મહાભારતકાળમાં યુધિષ્ઠિર અને અર્જુન પણ અહીં આવ્યા હતા તેવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.