
ફિલ્મ આદિપુરુષમાં ભગવાન શ્રીરામની ભૂમિકા ભજવ્યા બાદ હવે બાહુબલી ફેમ પ્રભાસ વધુ એક ફિલ્મમાં માયથોલોજીકલ કેરેક્ટર પ્લે કરશે.
બાહુબલી સ્ટાર ઘણા સમયથી તેની આગામી ફિલ્મ ‘સાલાર’ને લઇને ચર્ચામાં છે. આ ફિલ્મ પહેલા 28 સપ્ટેમ્બરે રિલીઝ થવાની હતી, પરંતુ તેની રિલીઝ પોસ્ટપોન કરવામાં આવી, અને હવે સમાચાર આવ્યા છે કે અભિનેતા દક્ષિણ ભારતીય ફિલ્મમાં ભગવાન શિવની ભૂમિકા ભજવતો જોવા મળી શકે છે.
તેલુગુ ફિલ્મોના નિર્દેશક વિષ્ણુ માંચુ તેના ડ્રીમ પ્રોજેક્ટ ‘ભક્ત કનપ્પા’માં અભિનેતા પ્રભાસને મહત્વનો રોલ આપશે તેવી અટકળો વહેતી થઇ છે. આ ઉપરાંત ફિલ્મમાં કૃતિ સેનનની બહેન નૂપુર સેનન પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે. ‘ભક્ત કનપ્પા’ તેલુગુ સિનેમાની બીગબજેટ ફિલ્મ હશે. ફિલ્મનું મોટાભાગનું શૂટિંગ ન્યુઝીલેન્ડમાં થશે.
‘સાલાર’ એ KGF ફિલ્મ બનાવનારા દિગ્દર્શક પ્રશાંત નીલનો જ પ્રોજેક્ટ છે. આ ફિલ્મમાં પ્રભાસની સાથે લીડ રોલમાં શ્રૃતિ હસન જોવા મળશે. આ સિવાય પ્રભાસ અભિનેત્રી દિપીકા પાદુકોણ અને અમિતાભ બચ્ચન સાથે ‘કલ્કિ 2898 એડી’માં જોવા મળશે. આ ફિલ્મ જાન્યુઆરી 2024માં રિલીઝ કરવાની યોજના છે.