
વારાણસી: વારાણસીની જિલ્લા કોર્ટે હિન્દુ પક્ષની અરજીને માન્ય રાખીને જ્ઞાનવાપીના વ્યાસ ભોંયરામાં પૂજા પાઠ કરવાના અધિકાર આપ્યા છે. જ્ઞાનવાપી પરિસરમાં સ્થિત વ્યાસ ભોંયરામાં પૂજા કરવાના અધિકારની માંગ કરતી શૈલેન્દ્ર કુમાર પાઠકની અરજી પર ગઈકાલે સુનાવણી બાદ જિલ્લા ન્યાયાધીશે આદેશ અનામત રાખ્યો હતો. જેના પર આજે નિર્ણય આવ્યો છે. આ કેસમાં હિન્દુ પક્ષનો દાવો છે કે અગાઉની પ્રદેશ સરકાર દ્વારા નવેમ્બર 1993થી પહેલા વ્યાસ ભોંયરામાં પૂજા પાઠ બંધ કરી દેવામાં આવ્યા હતા. જેને ફરીથી શરૂ કરવાના અધિકારોની માંગ કરવામાં આવી હતી. જ્યારે મુસ્લિમ પક્ષે પ્લેસ ઓફ વાર્શિપ એક્ટ હેઠળ આ અરજીને રદ કરવાની માંગ કરી હતી. પરંતુ કોર્ટે મુસ્લિમ પક્ષની અરજીનો અસ્વીકાર કરતાં હિન્દુ પક્ષની માંગણીને સ્વીકારીને પૂજા પાઠ કરવાના અધિકારી આપી ધીધા છે.
આપને જણાવી દઈએ કે નવેમ્બર 1933 સુધી અહી પૂજા-પાઠ કરાવવામાં આવતા હતા. કાશી વિશ્વનાથ ટ્રસ્ટ બોર્ડ તરફથી હવે અહી નિયમિત પુજા અર્ચના કરવામાં આવશે. કોર્ટે અરજી સ્વીકારી લેતા હિન્દુ પક્ષે તેને મહત્વની જીત ગણાવી છે અને 30 વર્ષ બાદ ન્યાય મળ્યાનો દાવો કર્યો છે.કોર્ટે જિલ્લા વહીવટીતંત્રને 7 દિવસમાં બેરિકેડિંગની વ્યવસ્થા કરવા આદેશ આપ્યો છે. પરંતુ મુસ્લિમ પક્ષે આ ચુકાદાને હાઇ કોર્ટમાં ચેલેન્જ કરવાની તૈયારી દર્શાવી છે. મૌલાના ખાલિદ રશીદ ફિરંગી મહાલીએ જ્ઞાનવાપીના નિર્ણય પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે અમે કોર્ટના આ નિર્ણયથી ખૂબ જ નિરાશ છીએ. આ નિર્ણય સામે અમારી પાસે હાઈકોર્ટમાં જવાનો વિકલ્પ ખુલ્લો છે.
ઉલ્લેખનીય છે કે 17 જાન્યુઆરીના રોજ, જિલ્લા વહીવટીતંત્રે કોર્ટના આદેશ પર જ્ઞાનવાપીના વ્યાસ ભોંયરાનો કબજો મેળવ્યો હતો. ASIના સર્વે દરમિયાન ભોંયરામાં સફાઈ કરવામાં આવી હતી. હવે જિલ્લા ન્યાયાધીશે પોતાના આદેશમાં કહ્યું છે કે પૂજા વિશ્વનાથ મંદિરના પૂજારીઓ દ્વારા કરાવવામાં આવે. બેરીકેટ્સ હટાવવાની વ્યવસ્થા કરવી જોઈએ. આ બધું 7 દિવસની અંદર થવું જોઈએ. આદેશ અનુસાર, વ્યાસ જીના ભોંયરાના કસ્ટોડિયન હવે વારાણસીના જિલ્લા મેજિસ્ટ્રેટ બની ગયા છે. એટલા માટે વિશ્વનાથ મંદિરના પૂજારી તે ભોંયરાની સફાઈ કરાવશે. ત્યાં લગાવવામાં આવેલ બેરિકેડિંગ દૂર કરવામાં આવશે અને ત્યારબાદ ભોંયરાની અંદર નિયમિત પૂજા કરવામાં આવશે.