વાઘને ટકાવી રાખવા રતનમહાલમાં 150 વર્ષ બાદ આ પ્રાણીની થઈ વાપસી!

છોટાઉદેપુરઃ રાજ્યમાં 10 મહિનાથી વાઘનો વસવાટ હોવાનું થોડા સમય પહેલા જાહેર થયું હતું. જંગલમાં લાગેલા વનવિભાગના કેમેરામાં વાઘ ટ્રેપ થયો હતો. ગુજરાતમાં વાઘ લુપ્ત થયાના ઘણા વર્ષો પછી ફરી જંગલમાં તે ફરી દેખવા મળ્યો હતો. જોકે આ વાઘ પાછો જતો ન રહે તે માટે વાઘણને અભયારણ્યમાં લાવવાની કવાયત હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત 150 વર્ષ પછી રતનમહાલના જંગલોમાં સાંભરની વાપસી થઈ છે.
રતનમહાલના જંગલોમાં સાંભરની વાપસી
રતનમહાલના જંગલોમાંથી લુપ્ત થયાના 150 વર્ષ પછી સાંભર અને ચિતલ ફરીથી પાછા ફર્યા છે. આ વિસ્તારમાં વાઘ જોવા મળ્યા બાદ, વન વિભાગે છેલ્લા ત્રણ મહિનામાં આ જંગલોમાં 15 સાંભર અને 22 ચિતલ ફરીથી છોડ્યા હતા. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, સાંભર અને ચિતલોએ રતનમહાલના વાતાવરણમાં અનુકૂલન સાધી લીધું છે. આ પ્રાણીઓ આ જંગલની ઇકોસિસ્ટમનો ભાગ હતા, પરંતુ લાંબા સમય પહેલા અદૃશ્ય થઈ ગયા હતા. સાંભર લગભગ 150વર્ષ પહેલા લુપ્ત થયા હતા, જ્યારે ચિતલો છેલ્લા ચારથી પાંચ દાયકામાં અહીં જોવા મળ્યા નહોતા. વાઘ જોવા મળતાં રતનમહાલમાં નવા પ્રાણીઓ દાખલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. સાંભરને રતનમહાલ નજીકના સંવર્ધન કેન્દ્રમાંથી લાવવામાં આવ્યા હતા અને જંગલમાં છોડવામાં આવ્યા હતા.
પૂરતો શિકાર હશે તો વાઘ રતનમહાલ નહીં છોડે
સૂત્રોએ જણાવ્યું કે, જો પૂરતો શિકાર ઉપલબ્ધ હશે, તો વાઘ રતનમહાલમાં જ રહેવાની શક્યતા વધુ છે. તાજેતરના મહિનાઓમાં રતનમહાલમાં જે ચિતલોને છોડ્યા હતા, તેમાંથી બેનો શિકાર વાઘે કર્યો છે. આ પરિણામોથી પ્રોત્સાહિત થઈને, વન વિભાગ એક મહિનામાં રતનમહાલમાં વધુ 15 સાંભર છોડવાની યોજના બનાવી રહ્યું છે. શિકાર શોધમાં દીપડાઓ ઘણીવાર ગામડાઓમાં આવી જાય છે, તેમને પણ જંગલમાં રાખવામાં મદદ મળશે.
આ ઉપરાંત સૂત્રોએ જણાવ્યું કે વધુ પડતા શિકાર અથવા અન્ય સ્થળોએ ધીમે ધીમે સ્થળાંતર થવાને કારણે સાંભર અને ચિતલો રતનમહાલમાંથી અદૃશ્ય થઈ ગયા હતા. રતનમહાલ નજીક એક મોટું સાંભર સંવર્ધન કેન્દ્ર સ્થાપવાની યોજના બનાવવામાં આવી રહી છે. એકવાર તેમની સંખ્યા વધશે, પછી તેમને જંગલમાં છોડવામાં આવશે.
વાઘનું મોનિટરિંગ વધારાશે
છોટાઉદેપુરમાં જોવા મળેલા વાઘના ફૂટ માર્ક છેલ્લા દસ મહિનાથી રતનમહાલમાં રહેતા વાઘના જ હોવાનું જાણવા મળ્યું છે. ફૂટ માર્કની તપાસ કરનાર અધિકારીઓએ જણાવ્યું હતું કે, ઓછામાં ઓછા ત્રણ નિશાન એકસરખા મળી આવ્યા હતા, જ્યારે અન્ય બે નિશાનોમાં 0.5 થી 0.10 સેમી સુધીનો તફાવત જોવા મળ્યો હતો.અધિકારીઓએ જણાવ્યું હતું કે, જોકે તેઓએ તારણ કાઢ્યું છે કે રાજ્યમાં માત્ર એક જ વાઘ છે, તેમ છતાં તેઓ આસપાસના વિસ્તારમાં અન્ય વાઘની શક્યતાને નકારી કાઢતા નથી. વન વિભાગે વધુ હાઈ-રિઝોલ્યુશન કેમેરાનો ઓર્ડર આપ્યો છે, જે વાઘના વિસ્તાર ગણાતા મધ્યપ્રદેશ સાથેની સરહદ પર લગાવવામાં આવશે. આ કેમેરા બે દિવસમાં લગાવવામાં આવશે.
સૂત્રો જણાવ્યું હતું કે, દેખરેખથી જે વાઘે ગુજરાતને પોતાનું ઘર બનાવ્યું છે, તે રાજ્યની બહાર જાય છે કે રાજ્યની સીમાઓમાં જ રહે છે તે નક્કી થશે. ફૂટ માર્કમાં જોવા મળેલા તફાવત વિશે અધિકારીએ જણાવ્યું હતું કે, આ સામાન્ય છે, કારણ કે પગના નિશાનોનું કદ અને ઊંડાઈ તે જે સપાટી પર મળી આવ્યા છે તેના પર નિર્ભર કરે છે. રેતી પર, પગના નિશાનો ઊંડા હોઈ શકે છે, અને ભીની સપાટી પર તે પહોળા હોઈ શકે છે. કડક સપાટી પર, પગના નિશાનો અલગ દેખાય છે. ઘણી જગ્યાએ પગના નિશાનો પરથી ઢોર પણ પસાર થયા છે. તેથી, વિભાગ હવે કેમેરા ટ્રેપ્સ પર વધુ આધાર રાખી રહ્યું છે.
આપણ વાંચો: મથુરામાં 7 બસ અને 3 કાર અથડાયા બાદ આગ ફાટી નીકળી; જુઓ ભયાનક વિડીયો



