નેશનલ

115 દિવસ બાદ રાઘવ ચઢ્ઢાને પાછું મળ્યું સાંસદ સભ્યપદ…

નવી દિલ્હી: રાજ્યસભાએ આજે ચાર ડિસેમ્બર 2023ના રોજ આમ આદમી પાર્ટીના સભ્ય રાઘવ ચઢ્ઢાનું સસ્પેન્શન 115 દિવસ બાદ રદ્ કર્યું હતું અને તેમને ગૃહની કાર્યવાહીમાં ભાગ લેવાની મંજૂરી આપી હતી. નોંધનીય છે કે ચઢ્ઢાને ચોમાસુ સત્ર દરમિયાન 11 ઓગસ્ટે અનિશ્ચિત સમય માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આજે શિયાળુ સત્રનો પ્રથમ દિવસ હતો. ત્યારે ઉપલા ગૃહની બેઠક લંચ બ્રેક પછી બપોરે બેના સુમારે શરૂ થઈ હતી. જેમાં અધ્યક્ષ જગદીપ ધનખરે સીપીઆઈ(એમ)ના ઈલામરામ કરીમને વિશેષાધિકાર સમિતિનો અહેવાલ રજૂ કરવા કહ્યું હતું. સમિતિનો 75મો અહેવાલ રજૂ કરતાં કરીમે જણાવ્યું હતું કે વિશેષાધિકાર સમિતિએ એક સભ્ય વિરુદ્ધ ખોટી અને ગેરમાર્ગે દોરનારી માહિતી મીડિયાને લીક કરવા, સમિતિની કાર્યવાહીને ખોટી રીતે રજૂ કરવા અને અધ્યક્ષના અધિકારોને પડકારવા બદલ ફરિયાદ દાખલ કરી છે.

ત્યારબાદ અધ્યક્ષ ધનખરે કહ્યું હતું કે વિશેષાધિકાર સમિતિએ આ મામલાની તપાસ કર્યા બાદ સભ્ય રાઘવ ચઢ્ઢાને બંને આરોપો માટે દોષિત ઠેરવ્યા હતા. તેમણે કહ્યું હતું કે પહેલો આરોપ એ છે કે તેમણે જાણીજોઈને મીડિયા સમક્ષ ભ્રામક તથ્યો રજૂ કર્યા તેમજ ગૃહની કાર્યવાહીનું ખોટું અર્થઘટન કર્યું હતું, જેના પરિણામે ગૃહના નિયમોનું ઉલ્લંઘન થયું. તેમણે કહ્યું કે બીજો આરોપ એ છે કે સૂચિત સિલેક્ટ કમિટીમાં સભ્યોના નામોની તેમની સંમતિ વિના પ્રસ્તાવ મૂક્યો હતો જે ગૃહના નિયમોના નિયમ 72નું સ્પષ્ટ રીતે ઉલ્લંઘન કરે છે.

સમિતિના અહેવાલને ટાંકીને અધ્યક્ષે કહ્યું કે 11 ઓગસ્ટ, 2023 થી અત્યાર સુધી સદસ્યને ગૃહમાંથી સસ્પેન્ડ કરવા માટે પૂરતી સજા છે, તેમણે આશા વ્યક્ત કરી કે આમ આદમી પાર્ટીના સભ્ય રાઘવ ચઢ્ઢા આત્મનિરીક્ષણ કરશે અને ભવિષ્યમાં ગૃહની ગરિમા અને પરંપરા અનુસાર વર્તશે. ત્યારબાદ ભાજપના જીવીએલ નરસિમ્હા રાવે ચઢ્ઢાનું સસ્પેન્શન પાછું ખેંચવાની માંગ કરતો ઠરાવ રજૂ કર્યો હતો. ત્યારબાદ ગૃહે અવાજ મત દ્વારા આ ઠરાવ પસાર કર્યો અને અધ્યક્ષે AAP સભ્યને ગૃહની કાર્યવાહીમાં ભાગ લેવાની મંજૂરી આપી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button