નવી દિલ્હી: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ(Amit Shah)એ જમ્મુ અને કાશ્મીર અંગે મહત્વનું નિવેદન આપ્યું છે. એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં દરમિયાન તેમણે કહ્યું કે કેન્દ્ર સરકાર જમ્મુ અને કાશ્મીરમાંથી આર્મ્ડ ફોર્સિસ (સ્પેશિયલ પાવર્સ) એક્ટ (AFSPA)ને પાછો ખેંચવા પર વિચાર કરશે.
આ સાથે અમિત શાહે જમ્મુ-કાશ્મીરના યુવાનોને પાકિસ્તાનના ષડયંત્રોથી દૂર રહેવાની અપીલ પણ કરી હતી. તેમણે કહ્યું કે આજે પાકિસ્તાન ભૂખમરો અને ગરીબીથી ઘેરાયેલું છે. ત્યાંના લોકો પણ કાશ્મીરને સ્વર્ગ તરીકે જુએ છે. હું એ સ્પષ્ટ કરવા માંગુ છું કે કાશ્મીરને જો કોઈ બચાવી શકે છે તો તે વડાપ્રધાન મોદી જ છે.
અમિત શાહે કહ્યું કે ભાજપ અને સમગ્ર સંસદ દ્રઢપણે માને છે કે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) ભારતનો અભિન્ન અંગ છે. પીઓકેમાં રહેતા મુસ્લિમ અને હિન્દુ ભાઈઓ ભારતીય છે. પાકિસ્તાને જે જમીન પર ગેરકાયદે કબજો કર્યો છે તે ભારતની છે. તેને પાછું મેળવવું એ દરેક ભારતીય અને દરેક કાશ્મીરીનું લક્ષ્ય છે.
અમિત શાહે કહ્યું કે કેન્દ્ર સરકાર જમ્મુ અને કાશ્મીરમાંથી આર્મ્ડ ફોર્સિસ (સ્પેશિયલ પાવર્સ) એક્ટ (AFSPA)ને પાછો ખેંચવા પર વિચાર કરશે. અમારી યોજના સેનાને પરત બોલાવી કાયદો અને વ્યવસ્થા માત્ર જમ્મુ-કાશ્મીર પોલીસને સોંપવાની છે. તેમણે કહ્યું કે પહેલા જમ્મુ-કાશ્મીર પોલીસ પર ભરોસો ન હતો, પરંતુ આજે તેઓ ઓપરેશનનું નેતૃત્વ કરી રહ્યા છે. અમે કાશ્મીરના યુવાનો સાથે વાત કરીશું, એવા સંગઠનો સાથે નહીં જેમના મૂળ પાકિસ્તાનમાં છે.
આર્મ્ડ ફોર્સિસ (સ્પેશિયલ પાવર્સ) એક્ટ (AFSPA) દેશના કેટલાક સંવેદનશીલ વિસ્તારોમાં લાગુ કરવામાં આવ્યો છે. આ કાયદો સેનાને તપાસ, ધરપકડ અને ગોળીબાર માટે વધારાની વિશેષ સત્તા આપે છે. આ કાયદો 11 સપ્ટેમ્બર 1958ના રોજ બનાવવામાં આવ્યો હતો. જમ્મુ-કાશ્મીરમાં 90ના દાયકામાં આ કાયદો લાગુ કરવામાં આવ્યો હતો, જે હજુ પણ લાગુ છે. આ કાયદા હેઠળ સુરક્ષા દળો કોઈપણ સમયે વોરંટ વિના કોઈપણ વ્યક્તિના ઘરની તલાશી લઈ શકે છે. આટલું જ નહીં, જો સુરક્ષા દળોને લાગે કે આતંકવાદીઓ કોઈ મકાન કે ઈમારતમાં છુપાયેલા છે તો તેઓ તેને પણ તોડી શકે છે. જ્યાં સુધી કેન્દ્ર સરકાર મંજૂરી ન આપે ત્યાં સુધી સેના સામે કોઈ કાર્યવાહી અથવા કેસ શરૂ થઇ શકતા નથી.
ઉલ્લેખનીય છે કે લાગુ થયા બાદથી જ આ કાયદાઓ વિવાદાસ્પદ રહ્યો છે. ઉગ્રવાદીઓ અને આતંવાદીઓ ઉપરાંત ઘણા નિર્દોષ નાગરીકો આ કાયદાને કારણે સેનાની કાર્યવાહીનો ભોગ બન્યાના આરોપો સતત લગતા રહ્યા છે.