નેશનલ

અફઘાનિસ્તાને નવી દિલ્હીમાં એમ્બેસી બંધ કરી

નવી દિલ્હી: અફઘાનિસ્તાનની એમ્બેસીએ ભારતમાં તેની કામગીરી બંધ કરી દીધી છે. રાષ્ટ્રીય રાજધાની નવી દિલ્હીમાં સ્થિત અફઘાન દૂતાવાસે શનિવારે મોડી રાત્રે આ અંગે સત્તાવાર જાહેરાત કરી હતી. દૂતાવાસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે યજમાન સરકાર તરફથી સમર્થનનો અભાવ, અફઘાનિસ્તાનના હિતોની અપેક્ષાઓ પૂરી કરવામાં નિષ્ફળતા અને સંસાધનો તથા કર્મચારીઓની અછતને કારણે તે ૧લી ઓક્ટોબરથી એમ્બેસીનું કામકાજ બંધ કરવામાં આવશે.

નવી દિલ્હીમાં સ્થિત અફઘાન એમ્બેસીએ તેની કામગીરી બંધ કરવા બદલ ખેદ વ્યક્ત કર્યો અને કહ્યું કે અમે ખૂબ જ દુ:ખ, ખેદ અને નિરાશા સાથે નવી દિલ્હીમાં અફઘાનિસ્તાનના દૂતાવાસની કામગીરી બંધ કરવાના નિર્ણયની જાહેરાત કરીએ છીએ. દૂતાવાસે કહ્યું કે અફઘાનિસ્તાન અને ભારત વચ્ચેના ઐતિહાસિક સંબંધો અને લાંબા સમયની ભાગીદારીને ધ્યાનમાં રાખીને સાવચેતીપૂર્વક વિચાર-વિમર્શ કર્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. નવી દિલ્હીની અફઘાન એમ્બેસીએ આક્ષેપ કર્યો હતો કે
યજમાન (ભારત) સરકાર તરફથી નોંધપાત્ર સમર્થનનો અભાવ અનુભવાતો હતો, જેને કારણે પોતાની જવાબદારીઓને અસરકારક રીતે નિભાવવાની ક્ષમતામાં અવરોધ ઊભો થયો છે. એમ્બેસીએ કહ્યું, અમે ભારતમાં રાજદ્વારી સમર્થનની અછત અને કાબુલમાં કાયદેસર સરકારની ગેરહાજરીને કારણે અફઘાનિસ્તાન અને તેના નાગરિકોના હિતોની સેવા કરવા માટે જરૂરી અપેક્ષાઓ અને જરૂરિયાતોને પૂર્ણ કરવામાં અમારી ખામીઓને સ્વીકારીએ છીએ.

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે રાજદ્વારીઓ માટે વિઝા રિન્યુઅલથી લઈને સહકારના અન્ય મહત્ત્વપૂર્ણ ક્ષેત્રોમાં સમયસર અને પર્યાપ્ત સમર્થનના અભાવને કારણે અમારી ટીમમાં હતાશા પ્રવર્તી હતી. તેથી નિયમિત ફરજોને અસરકારક રીતે નિભાવવાની અમારી ક્ષમતામાં અવરોધ ઉભો થયો. આ સંજોગોને જોતાં, અમે યજમાન દેશમાં અફઘાન નાગરિકો માટે ઈમરજન્સી કોન્સ્યુલર સેવાઓ સિવાય, તમામ મિશન કામગીરી બંધ કરવાનો મુશ્કેલ નિર્ણય લીધો છે.

આ સાથે નવી દિલ્હી સ્થિત દૂતાવાસ પર અફઘાનિસ્તાનનો ધ્વજ ફરકતો રાખવાની માગ કરવામાં આવી છે. એવું પણ કહેવામાં આવ્યું કે એમ્બેસી ભારત સરકાર સાથે ચર્ચા કરવા તૈયાર છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button