રોડ સુરક્ષા અને ટ્રાફિકના નિયમોના ઉલ્લંઘનને રોકવા સરકાર અદ્યતન ટેક્નોલોજીનો ઉપયોગ કરવા સજ્જઃ ગડકરી
નવી દિલ્હીઃ સરકાર ટ્રાફિક ભંગની તપાસ કરવા અને યોગ્ય દંડ ફટકારવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ) અને અન્ય નવી પદ્ધતિઓનો ઉપયોગ કરવાની દરખાસ્ત કરી રહી છે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ આજે મહત્ત્વની વાત કરી હતી.
‘ટ્રાફિક ઇન્ફ્રાટેક એક્સ્પો’ની 12મી સીઝનને સંબોધતા કેન્દ્રીય મંત્રીએ ટોલ વસૂલાતની પદ્ધતિઓને અપગ્રેડ કરવાની યોજનાઓની રૂપરેખા આપી હતી. તેમાં સેટેલાઇટ ટોલ સિસ્ટમનો પણ સમાવેશ થાય છે, જે ટોલ વસૂલાતની કાર્યક્ષમતામાં સુધારો કરશે અને પારદર્શિતા સુનિશ્ચિત કરશે.
ગડકરીએ જણાવ્યું હતું કે અદ્યતન એન્જિનિયરિંગ સમાધાન એકીકૃત કર્યા વિના કાયદાનો અમલ કર્યા વિના અને એઆઇ જેવી અદ્યતન ટેકનોલોજીને અપનાવ્યા વિના માર્ગ સલામતી હાંસલ કરી શકાય નહીં.
રસ્તાઓની સુરક્ષાને પ્રોત્સાહન આપવા માટે મંત્રાલયના વિઝન પર પ્રકાશ પાડતા તેમણે કહ્યું હતું કે સરકારે ટેક્નોલોજી સોલ્યુશન્સ વિકસાવવામાં સહયોગ કરવા માટે ખાનગી ક્ષેત્રના નિષ્ણાતોની નિમણૂક કરવાનો નિર્ણય કર્યો છે. એક સમર્પિત નિષ્ણાત સમિતિ સ્ટાર્ટઅપ્સ અને ઉદ્યોગ જગતના મોટા ઉદ્યોગપતિઓ દરખાસ્તોનું મૂલ્યાંકન કરશે અને શ્રેષ્ઠ વિચારોને અમલમાં મુકવાની ખાતરી કરશે.
આ પણ વાંચો :“હું પહેલા નક્સલવાદી હતો” ફરીથી નક્સલવાદી બનીશ તો… જ્યારે નીતિન ગડકરી ભડક્યા
કેન્દ્રીય મંત્રીના જણાવ્યા અનુસાર આ ક્ષેત્રમાં ઝડપી સુધારા લાવવાના ઉદ્દેશ્ય સાથે સમિતિને ત્રણ મહિનામાં તેના મૂલ્યાંકનને અંતિમ સ્વરૂપ આપવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. તેમણે ખાતરી આપી કે ગુણવત્તા અને માપદંડો સાથે સમાધાન કરવામાં આવશે નહીં, પછી ભલે સમાધાન મોટી કે નાની કંપનીઓ તરફથી આવ્યા હોય.
વધુમાં મંત્રીએ નવી ટેકનોલોજી ધરાવતી નાની કંપનીઓને સરકારી ટેન્ડરોમાં ભાગ લેવા પ્રોત્સાહિત કર્યા હતા. તેમણે કહ્યું કે શ્રેષ્ઠ તકનીકો વડે ભારત પારદર્શિતા હાંસલ કરી શકે છે, ખર્ચ ઘટાડી શકે છે અને માર્ગ સલામતીમાં નોંધપાત્ર વધારો કરી શકે છે.