આદિત્યનાથે કૉંગ્રેસની ઝાટકણી કાઢી: ચૂંટણી ઢંઢેરામાં જજિયા કર, ગૌ હત્યાના મુદ્દાને ઉખેળતાં કહ્યું ઔરંગઝેબનું શાસન

ભોપાલ: ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે શનિવારે કહ્યું હતું કે કૉંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં (મધ્યયુગીન ભારતમાં બિનમુસ્લિમો પર લાદવામાં આવેલો) જજિયા કર અને ગો હત્યાને પ્રોત્સાહન આપવાની વાત કરવામાં આવી છે અને તેની સરખામણી ક્રૂર મોગલ શાસક ઔરંગઝેબની સાથે કરી હતી. તેમણે એવો આક્ષેપ પણ કર્યો હતો કે કૉંગ્રેસ એસસી, એસટી અને ઓબીસી વર્ગનો અનામતનો લાભ છીનવી લેવા માગે છે અને પોતાની ‘વોટ બૅન્ક’ને આપવા માગે છે.
ગુના લોકસભા મતદારસંઘના અશોકનગરમાં ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાના પ્રચાર માટે આયોજિત જંગી રેલીને સંબોધતાં તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વને બિરદાવતાં કહ્યું હતું કે ગરીબો માટે કલ્યાણની યોજનાઓ લાવ્યા છે અને દેશના માનમાં વધારો કર્યો છે. તમે ક્રૂર મોગલ શાસક ઔરંગઝેબનું નામ તો સાંભળ્યું હશે. સારા મુસ્લિમ પરિવારો પોતાના સંતાનોના નામ તેમના પરથી પાડતા નથી. તેણે જજિયા કર લાદ્યો હતો. તે શું હતું? અત્યારે કૉંગ્રેસવાળા જે ઈનહેરિટેન્સ ટેક્સની વાત કરે છે તે જ હતું, એવો દાવો આદિત્યનાથે કર્યો હતો.
બીજી તરફ વડા પ્રધાન મોદી કહે છે કે ઐતિહાસિક વારસાનું સન્માન કરવું જોઈએ. આપણી અયોધ્યામાં રામ મંદિર માટેની ચળવળ પાંચસો (500) વર્ષથી ચાલતી હતી અને લાખો લોકોએ પોતાનું બલિદાન આપ્યું હતું. ઐતિહાસિક વારસાને સન્માન આપવાની વાત જવા દો, કૉંગ્રેસ તો તમારા પૂર્વજો જે સંપત્તિ આપીને ગયા છે તેના પર વેરો લગાવવાની વાત કરી રહી છે. રાહુલ ગાંધી કહે છે કે તેમની પાર્ટી સત્તામાં આવશે તો તેઓ તમારી પ્રોપર્ટીનો એક્સ-રે કાઢશે અને તેમાંથી અડધી સંપત્તિ છીનવી લેશે અને તેને કહેશે વિરાસત વેરો (ઈનહેરિટેન્સ ટેક્સ). શું તમે જજિયા વેરો આપવા માગો છો? કોઈ ભારતીય આ બાબતનો સ્વીકાર કરી શકે નહીં.
તેમણે કૉંગ્રેસના ચૂંટણી ઢંઢેરાની વધુ ટીકા કરતાં કહ્યું હતું કે આ પાર્ટી અનુસૂચિત જાતી, અનુસૂચિત જનજાતી અને ઓબીસી સમાજના અનામતના લાભ છીનવીને તેને પોતાની વોટ બૅન્કને આપવા માગે છે. જેવી રીતે તેમણે આંધ્ર પ્રદેશ અને કર્ણાટકમાં કર્યું છે. આદિત્યનાથે એવો દાવો કર્યો હતો કે કૉંગ્રેસ દેશમાં લઘુમતી કોમને ખાવા-પીવાનું બધું જ સ્વાતંત્ર્ય આપવા માગે છે અને તેને ગો હત્યા અને ગોમાંસના સેવનની સાથે તેને સાંકળ્યું હતું.
શું લઘુમતી કોમની ખાદ્ય આદતો બહુમતી કરતાં અલગ છે? સામાન્ય ખાદ્ય આદતો તો સમાન છે, પરંતુ બહુમતી સમાજ ગોમાંસનું સેવન કરતો નથી અને ગૌ હત્યાનો વિરોધ કરે છે. હવે કૉંગ્રેસ એટલી નીચલા સ્તરે જતી રહી છે કે તે ગો હત્યાને સમર્થન આપી રહી છે, એવો આક્ષેપ આદિત્યનાથે કર્યો હતો. તેમણે એમ પણ કહ્યું હતું કે આ એ કૉંંગ્રેસ નથી જેણે આઝાદીની ચળવળમાં ભાગ લીધો હતો. શું તમે આવા પાપમાં સહભાગી થવા માગો છો? રામ અને કૃષ્ણની ધરતી પર ગો હત્યા થશે? (પીટીઆઈ)