અયોધ્યામાં આદિત્યનાથે મહિલા ડ્રાઇવરો, કંડકટરો સાથે ૫૧ બસને લીલી ઝંડી આપી
મિશન મહિલા સારથીનું ઉદ્ઘાટન પણ થયું
અયોધ્યા/લખનઊ: ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રવિવારે રાજ્ય પરિવહન નિગમની ૫૧ બસોને લીલી ઝંડી આપી હતી. આ તમામ બસોમાં ડ્રાઇવર અને કંડકટર મહિલાઓ હશે.
અયોધ્યા પ્રવાસના બીજા દિવસે મુખ્યમંત્રીએ રામ કથા પાર્કમાંથી મિશન મહિલા સારથીનું ઉદ્ઘાટન કર્યું અને ભારપૂર્વક જણાવ્યું કે સમાજના સર્વાંગી વિકાસ માટે મહિલાઓનું સન્માન કરવું જોઇએ અને તેમના ગૌરવનું રક્ષણ કરવું જોઇએ. ઉત્તર પ્રદેશ પરિવહન નિગમની ૫૧ બસોમાં મહિલા ડ્રાઇવર અને કંડકટર હશે, તેમ અધિકારીએ જણાવ્યું હતું.
આદિત્યનાથે કહ્યું કે જેઓ કહે છે કે મહિલાઓ અમુક નોકરી કરી શકતી નથી તે રાજ્ય પરિવહન નિગમ દ્વારા ખોટા સાબિત થયા છે. હવે મહિલા ડ્રાઇવર અને કંડકટર પણ છે. અત્યાર સુધીમાં ઉત્તર પ્રદેશ પોલીસ અને સરકારના અન્ય વિભાગોમાં ૧.૫ લાખથી વધુ દીકરીઓને રોજગારી આપવામાં આવી છે, એમ તેમણે જણાવ્યું હતું. બસોમાં મહિલા ડ્રાઇવર અને કંડકટરની રોજગારી દ્વારા હવે પરિવહન નિગમ દ્વારા આને આગળ ધપાવવામાં આવી રહ્યું છે, એમ તેમણે ઉમેર્યું હતું.
જો મહિલાઓનું સન્માન કરવામાં આવે, તેમના ગૌરવનું રક્ષણ કરવામાં આવે અને તેઓ આત્મનિર્ભર હોય તો સમાજ મજબૂત બનશે અને સર્વાંગી વિકાસની નવી ઊંચાઇઓ હાંસલ કરશે.