સૂર્યની ‘હેલો’ ભ્રમણકક્ષામાં પહોંચીને ‘આદિત્ય’એ રચ્યો ઈતિહાસ
નવી દિલ્હી: સૂર્યનો અભ્યાસ કરવા મોકલવામાં આવેલા પ્રથમ અવકાશયાન આદિત્ય એલ-વનને ઈસરોએ શનિવારે નિર્ધારિત ભ્રમણકક્ષામાં સફળતાપૂર્વક તરતો મૂક્યો હતો.
સૂર્યની ‘હેલો’ ભ્રમણકક્ષા એ એલ-વન પોઈન્ટની આસપાસ આવેલી છે.
ઈસરોની આ સફળતાની વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી હતી અને કહ્યું હતું કે અવકાશ ક્ષેત્રે ભારતે વધુ એક સીમાચિહ્નરૂપ સિદ્ધિ મેળવી છે. દેશના વૈજ્ઞાનિકોના અથાક પરિશ્રમ અને નિષ્ઠાનું આ પરિણામ છે, એમ તેમણે કહ્યું હતું. દેશના વૈજ્ઞાનિકોએ સૌથી ગૂંચવણભર્યું મિશન સફળતાપૂર્વક પાર પાડ્યું છે, એમ મોદીએ કહ્યું હતું.
આ સીમાચિહ્નરૂપ સિદ્ધિની બિરદાવવા હું દેશના તમામ નાગરિકો સાથે જોડાઉં છું, એમ તેમણે કહ્યું હતું.
‘આદિત્ય’ને પૃથ્વીથી અંદાજે ૧૫ લાખ કિ.મી.ને અંતરે ભ્રમણકક્ષામાં મૂકવામાં આવ્યો હતો.
ઈસરોના અધિકારીઓના જણાવ્યા અનુસાર ‘આદિત્ય’ને પૃથ્વીથી લગભગ ૧૫ લાખ કિ.મી.ને અંતરે સૂર્ય-પૃથ્વીની એલ-વન ભ્રમણકક્ષામાં મૂકવામાં આવ્યો હતો.
એલ-વન પૉઈન્ટ પૃથ્વી અને સૂર્ય વચ્ચેના કુલ અંતરના એક ટકા જેટલા અંતરે આવેલો છે.
‘આદિત્ય’ને એલ-વન પૉઈન્ટ પર મૂકવાનો સૌથી મોટો લાભ કોઈપણ પ્રકારના અવરોધ વિના સૂર્ય પર સતત નજર રાખી શકાશે તેમ જ સૂર્યની પ્રવૃત્તિઓ અને વાસ્તવિક સમયમાં અવકાશમાં થતી તેની અસર અંગે જાણકારી મેળવી શકાશે.
શનિવારે લગભગ બપોરે ચાર વાગ્યે આદિત્ય એલ-વનને નિર્ધારિત ભ્રમણકક્ષામાં મૂકવામાં આવ્યો હતો. આદિત્ય તેનો પ્રવાસ સૂર્યની દિશામાં ચાલુ રાખે એવી શકયતા હોવાનું પણ ઈસરોના અધિકારીઓએ કહ્યું હતું.
ગયા વર્ષની બે સપ્ટેમ્બરે સતીશ ધવન સ્પેસ સેન્ટર (હરિકોટા) ખાતેથી પીએસએલવીની મદદથી આદિત્ય એલ-વનને લૉન્ચ કરવામાં આવ્યો હતો.
આદિત્ય એલ-વન ઈલેક્ટ્રોમેગ્નેટિક તેમ જ પાર્ટિકલ ઍન્ડ મૅગ્નેટિક ફિલ્ડ ડિટેક્ટરની મદદથી સૂર્યના ફોટોસ્પિઅર, ક્રોમોસ્પિઅર અને સૂર્યના સૌથી બહારના પડ (કોરોના)નો અભ્યાસ કરશે.
દરમિયાન, અવકાશમાં સંશોધન અંગેની તેમની કામગીરી અને ભાવિ મિશન માટેની યંત્રણામાં સુધારા માટે ડૅટા એકઠાં કરવા ઈસરોએ શુક્રવારે ૧૦૦ વૉટ શ્રેણીના પોલિમર ઈલેક્ટ્રોલાઈટ મેમ્બરન ફ્યુઅલ સેલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું હતું.
ભવિષ્યમાં આ ફ્યુઅલ સેલની મદદથી અવકાશમાં વીજળીનું ઉત્પાદન કરી શકાશે. (એજન્સી)