ઓસ્ટ્રિયામાં ભારતીય સમુદાયને સંબોધતા PM Modiએ કહ્યું ‘હિન્દુસ્તાને યુદ્ધ નહી બુદ્ધ આપ્યા’
વિયેનાઃ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) રશિયા બાદ ઓસ્ટ્રિયા (Austria’s visit)ના પ્રવાસે પહોંચ્યા હતા. ઓસ્ટ્રિયામાં ભારતીય સમુદાયના લોકોને સંબોધતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ઓસ્ટ્રિયાની આ મારી પ્રથમ મુલાકાત છે, અહીં હું જે ઉત્સાહ જોઉં છું તે અદભૂત છે. 41 વર્ષ બાદ અહીં કોઈ ભારતીય પીએમ આવ્યા છે. તેમણે કહ્યું કે આ રાહ એક ઐતિહાસિક અવસર પર સમાપ્ત થઈ છે. ભારત અને ઓસ્ટ્રિયા તેમની મિત્રતાના 75 વર્ષની ઉજવણી કરી રહ્યા છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ભૌગોલિક રીતે ભારત અને ઑસ્ટ્રિયા બે અલગ-અલગ છેડે છે, પરંતુ અમારી વચ્ચે ઘણી સમાનતાઓ છે. લોકશાહી અમને બંનેને જોડે છે. સ્વતંત્રતા, સમાનતા, બહુમતિ અને કાયદાના શાસનનું સન્માન એ આપણા મૂલ્યો છે. આપણે બહુસાંસ્કૃતિક અને બહુભાષી સમાજ છીએ.
ભારતીય સમુદાયના લોકોને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, “થોડા મહિનાઓ પછી ઑસ્ટ્રિયામાં ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે, જ્યારે ભારતમાં આપણે લોકશાહીનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવ્યો છે. વિશ્વની સૌથી મોટી ચૂંટણીઓ છે. તેમણે કહ્યું કે 60 વર્ષ બાદ ભારતને સતત ત્રીજી વખત સરકારની સેવા કરવાની તક મળી છે.
આ પણ વાંચો : 41 વર્ષ બાદ ભારત અને ઑસ્ટ્રિયાની ઐતિહાસિક મુલાકાત; દ્વિપક્ષીય સબંધોને લઈને થશે ચર્ચાઓ
પીએમએ કહ્યું કે લગભગ 200 વર્ષ પહેલા વિયેનામાં સંસ્કૃત ભણાવવામાં આવતી હતી. 1880માં ઈન્ડોલોજી માટે સ્વતંત્ર અધ્યક્ષની સ્થાપના સાથે તેને વધુ પ્રોત્સાહન મળ્યું. તેમણે કહ્યું, “મને આજે કેટલાક પ્રતિષ્ઠિત ઈન્ડોલોજિસ્ટ્સને મળવાની તક મળી.
તેઓની ચર્ચાઓ પરથી સ્પષ્ટ હતું કે તેઓને ભારતમાં ખૂબ જ રસ છે. આજે 150થી વધુ ઑસ્ટ્રિયન કંપનીઓ ભારતના વિવિધ ક્ષેત્રોમાં કામ કરી રહી છે. ઑસ્ટ્રિયન કંપનીઓ ઘણા પ્રોજેક્ટ્સમાં કામ કરી રહી છે. એવી અપેક્ષા છે કે આવનારા સમયમાં અહીંની કંપનીઓ ભારતમાં વિસ્તરણ કરશે.
દેશની ઉપલબ્ધિઓ વિશે વાત કરતા પીએમ મોદીએ કહ્યું કે આજે સમગ્ર વિશ્વમાં ભારતની ચર્ચા થઈ રહી છે. તેમણે કહ્યું કે ભારતે યુદ્ધ નહીં, બુદ્ધ આપ્યા છે, ભારત હંમેશાં શાંતિ અને સમૃદ્ધિની વાત કરે છે. ભારત આજે વિશ્વની પાંચમી અર્થવ્યવસ્થા છે. અમે ટોચના ત્રણમાં પહોંચીશું. 2014માં ભારતની અર્થવ્યવસ્થા 10માં નંબરે હતી. 2047 સુધીમાં વિકસિત ભારત બનાવશે. ભારતમાં દરરોજ બે નવી કોલેજો ખુલે છે.