નેશનલ

કેજરીવાલની મુશ્કેલીમાં વધારો, સીબીઆઈ તપાસનો આપ્યો આદેશ

નવી દિલ્હી: દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલના સત્તાવાર નિવાસસ્થાનના સમારકામ અને નવીનીકરણ પર 45 કરોડ રૂપિયા ખર્ચવાનો મામલો હજુ શાંત થતો જણાતો નથી. અરવિંદ કેજરીવાલના બંગલાના રિનોવેશનને લઈને ઘણો વિવાદ થયો હતો. સીબીઆઈએ સીએમ આવાસ રિનોવેશન કેસમાં કેસ નોંધ્યો છે. ગૃહ મંત્રાલયે દિલ્હીના સીએમ આવાસમાં કથિત કૌભાંડની સીબીઆઈ તપાસના આદેશ આપ્યા છે. મે મહિનામાં દિલ્હીના એલજીએ સીબીઆઈ ડાયરેક્ટને પત્ર લખીને તપાસની માંગ કરી હતી. તેના આધારે ગૃહ મંત્રાલયે સીબીઆઈ તપાસની મંજૂરી આપી છે. આ મામલાની તપાસ કરી રહેલા દિલ્હી સરકારના વિજિલન્સ ડિરેક્ટોરેટે હવે PWDના 7 વરિષ્ઠ અધિકારીઓને કારણ બતાવો નોટિસ પણ પાઠવવામાં આવી છે અને જવાબ આપવા માટે 15 દિવસનો સમય આપ્યો છે.

રિનોવેશન દરમિયાન લાખો રૂપિયાના પડદા અને માર્બલ લગાવવામાં આવ્યા હતા. ભાજપ અને કોંગ્રેસે એવો પણ આરોપ લગાવ્યો હતો કે રિનોવેશનનું કામ એવા સમયે કરવામાં આવ્યું હતું જ્યારે દેશ કોરનાની મહામારી સામે લડી રહ્યો હતો. બંગલામાં રિનોવેશન કરાવવા માટે નાણાંકીય નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યા હતા. રાજકીય પક્ષોએ આક્ષેપ કર્યો હતો કે નવીનીકરણ દરમિયાન બહાર પાડવામાં આવેલા ટેન્ડરમાં ગેરરીતિઓ પણ થઈ હતી.

પીડબલ્યુડીના સંબંધિત ચીફ એન્જિનિયરો અને અન્ય અધિકારીઓને તેમની કાર્યવાહી વિશે જાણ કરવા નોટિસ જારી કરવામાં આવી છે. નોટિસમાં કહેવામાં આવ્યું છે કે PWD અધિકારીઓએ વિભાગની ફાઇલમાં એવું લખ્યું છે કે આંતરિક ભાગની ડિઝાઇનમાં મુખ્ય પ્રધાનની જરૂરિયાત મુજબ ફેરફારો કરવામાં આવ્યા હતા તે પછી કામ અને મંજૂર રકમ વચ્ચે તફાવત આવે છે તે કેવી રીતે શક્ય છે?

આ ઉપરાંત નોટિસમાં કહેવામાં આવ્યું છે કે PWD દ્વારા બાંધવામાં આવેલા નવા બિલ્ડિંગ માટે કોઈ બિલ્ડિંગ પ્લાન મંજૂર કરવામાં આવ્યો ન હતો. તેમજ મુખ્યમંત્રીનું આ રહેણાંક સંકુલ તેમની સત્તાના દાયરાની બહાર બાંધવામાં આવ્યું હતું. અને તેમને જે રિનોવેશન કરાવ્યું છે તે આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય દ્વારા જારી કરાયેલ માર્ગદર્શિકા હેઠળ નિર્ધારિત ધોરણો અનુસાર આપવામાં આવેલી પરવાનગી કરતાં ઘણું મોટું છે.

બીજી તરફ, દિલ્હી ભાજપના અધ્યક્ષ વીરેન્દ્ર સચદેવે કહ્યું કે તેઓ મુખ્ય પ્રધાનના બંગલાના રિનોવેશન અને વિસ્તરણની તપાસ કરી રહેલા વિજિલન્સ વિભાગ દ્વારા જાહેર બાંધકામ વિભાગના અધિકારીઓને કારણ બતાવો નોટિસ આપી હતી જે આ સમગ્ર મામલાની સત્યતા ઉજાગર કરવામાં મદદરૂપ થશે. હવે ખબર પડશે કે કોના આદેશ પર જાહેર બાંધકામ વિભાગે કોઈપણ ટેન્ડર અને બજેટની જોગવાઈ વગર ભ્રષ્ટાચારના કારણે આટલું મોટું બાંધકામ કરાવ્યું. એ દિવસ દૂર નથી જ્યારે મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ પોતે બંગલા કૌભાંડમાં તપાસનો સામનો કરશે.

કોંગ્રેસના પૂર્વ દિલ્હી પ્રદેશ અધ્યક્ષ અજય માકને આ મુદ્દો જોરશોરથી ઉઠાવ્યો હતો. ભાજપની સાથે કોંગ્રેસે પણ આ મામલે તપાસની માંગ કરી હતી અને એનજીટીના નિયમોના ઉલ્લંઘનના ગંભીર આરોપો પણ લગાવ્યા હતા.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button