Adani-Hindenburg row: અદાણી ગ્રુપને સુપ્રીમ કોર્ટ તરફથી મોટી રાહત, શું કહ્યું કોર્ટે જાણો?

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે અદાણી ગ્રુપના શેરના ભાવમાં ગેરરીતિ મુદ્દે મૂકવામાં આવેલા આરોપો (Adani-Hindenburg row)ની તપાસ સીબીઆઈ અથવા એસઆઈટીને સોંપવાનો ઈનકાર કર્યો હતો. સુપ્રીમ કોર્ટના ત્રીજી જાન્યુઆરીના આ ચુકાદાની સમીક્ષા કરવા માગતી અરજીને આજે કોર્ટે ફગાવી દીધી હતી.
સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ ડી. વાય. ચંદ્રચુડ, ન્યાયાધીશ જેબી પારડીવાલા અને ન્યાયાધીશ મનોજ મિશ્રાની આગેવાની હેઠળની ખંડપીઠે ત્રીજી જાન્યુઆરીના ચુકાદાની સામે જનહિતની જાહેર અરજી (પીઆઈએલ)ને ફગાવી દેવામાં આવી હતી.
ખંડપીઠે પાંચમીના એક આદેશમાં કહ્યું હતું કે સમીક્ષા અરજી પર ધ્યાન આપવામાં આવ્યા પછી ઉપલબ્ધ રેકોર્ડમાં કોઈ ખામી જણાતી નથી. સુપ્રીમ કોર્ટના નિયમ 2013ના આદેશ 47ના નિયમ એક અન્વયે સમીક્ષા કરવાનો કોઈ અર્થ ઠરતો નથી. તેથી સમીક્ષા અરજીને ફગાવવામાં આવી રહી છે. આ અરજી અંગે ન્યાયાધીશની ચેમ્બરમાં જણાવ્યું હતું. આ અગાઉ આ વર્ષે ત્રીજી જાન્યુઆરીના સુપ્રીમ કોર્ટે શેરના ભાવમાં ગેરરીતિ કરવાના આરોપોની તપાસ સીબીઆઈ અથવા એસઆઈટી દ્વારા તપાસ કરવાના આદેશને ફગાવી દેવામાં આવ્યો હતો.
સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે માર્કેટ નિયામક સિક્યોરિટીઝ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી) આરોપોની મોટે પાયે તપાસ કરી રહ્યું છે અને તેમની કામગીરી પણ વિશ્વાસપૂર્ણ છે. રિવ્યૂ-અરજીમા દાવો કરવામાં આવ્યો હતો કે ચુકાદામાં ભૂલો અને ખામીઓ છે. અહીં એ જણાવવાનું કે હિંડનબર્ગ રિસર્ચ તરફથી કથિત ગેરરીતિ અને શેરના ભાવમાં હેરાફેરી કરવા સહિત અન્ય આરોપો લગાવવામાં આવ્યા પછી અદાણી ગ્રુપની અનેક કંપનીના શેરમાં કડાકો બોલાયો હતો.