હવે આકાશમાં સ્વદેશી ગર્જના: ભારતમાં બનાવાશે આર્મીના હેલિકોપ્ટર, સૈન્યની તાકાતમાં થશે વધારો

નવી દિલ્હી: ભારત સરકારના ‘આત્મનિર્ભર ભારત’ અભિયાનને વેગ આપવા માટે અદાણી ડિફેન્સ એન્ડ એરોસ્પેસ (Adani Defence) અને ઇટાલીની પ્રખ્યાત કંપની લિયોનાર્ડો (Leonardo) વચ્ચે એક ઐતિહાસિક વ્યૂહાત્મક સમજૂતી થઈ છે.
આ ભાગીદારી હેઠળ બંને કંપનીઓ સાથે મળીને ભારતમાં આધુનિક સૈન્ય હેલિકોપ્ટરનું નિર્માણ કરશે. આ સમજૂતીનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતીય સશસ્ત્ર દળોની વધતી જતી સૈન્ય જરૂરિયાતોને સ્વદેશી સ્તરે પૂરી કરવાનો છે, જેનાથી સંરક્ષણ ક્ષેત્રે વિદેશી નિર્ભરતામાં ઘટાડો થશે.
આ કરાર માત્ર ઉત્પાદન પૂરતો સીમિત નથી, પરંતુ ભારતમાં એક સંપૂર્ણ હેલિકોપ્ટર મેન્યુફેક્ચરિંગ ઇકોસિસ્ટમ તૈયાર કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
આપણ વાચો: અદાણી બનાવશે ભારત માટે 5મી પેઢીના ફાઇટર એરક્રાફ્ટ? 15 હજાર કરોડનો ખર્ચ થશે
આ પહેલથી સ્થાનિક ઉદ્યોગોની ભાગીદારી વધશે અને દેશની સપ્લાય ચેઈન વધુ મજબૂત બનશે. વધુમાં, હેલિકોપ્ટરના મેન્ટેનન્સ, રિપેર અને ઓવરહોલ (MRO) માટેની તમામ સુવિધાઓ ભારતમાં જ વિકસાવવામાં આવશે. આ સાથે પાયલટ તાલીમ અને ટેકનિકલ તાલીમ માટેની પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવશે, જે સંરક્ષણ ક્ષેત્રના કૌશલ્ય વિકાસમાં મહત્વનો ફાળો આપશે.
તકનીકી સહયોગની વાત કરીએ તો, લિયોનાર્ડો કંપની હેલિકોપ્ટરના નિર્માણ માટે અદ્યતન ડિઝાઇન અને શ્રેષ્ઠ ટેકનોલોજી પૂરી પાડશે, જ્યારે અદાણી ડિફેન્સ પોતાની ઉત્પાદન ક્ષમતા, ઔદ્યોગિક માળખા અને સંરક્ષણ ક્ષેત્રના અનુભવનો ઉપયોગ કરીને અત્યાધુનિક હેલિકોપ્ટર તૈયાર કરશે.
આ ભાગીદારીથી એન્જિનિયરિંગ, લોજિસ્ટિક્સ અને મેન્ટેનન્સ જેવા ક્ષેત્રોમાં હજારો ઉચ્ચ-કુશળ નોકરીઓનું સર્જન થશે. આ ઇકોસિસ્ટમ ભવિષ્યમાં સિવિલ એવિએશન એટલે કે નાગરિક ઉડ્ડયન ક્ષેત્રની જરૂરિયાતો પૂરી કરવામાં પણ મદદરૂપ સાબિત થશે.
આપણ વાચો: અદાણી ગ્રુપે બનાવ્યું પહેલું સ્વદેશી ડ્રોન, સમુદ્રમાં વધારશે દેશની તાકાત
આ પ્રસંગે અદાણી ડિફેન્સ એન્ડ એરોસ્પેસના ડિરેક્ટર જીત અદાણીએ જણાવ્યું હતું કે, આ ભાગીદારી ભારતને વૈશ્વિક એરોસ્પેસ શક્તિ બનાવશે. જ્યારે CEO આશિષ રાજવંશીએ ઉમેર્યું કે આગામી દાયકામાં ભારતીય સશસ્ત્ર દળોને એક હજારથી વધુ હેલિકોપ્ટરની જરૂર પડશે, જે દિશામાં આ પગલું ખૂબ જ મહત્વનું છે.
લિયોનાર્ડોના મેનેજિંગ ડિરેક્ટર જિયાન પિએરો કુટિલ્લોએ પણ આ સહયોગથી ભારતની ઓપરેશનલ ક્ષમતામાં વધારો થવાની આશા વ્યક્ત કરી હતી.
સંરક્ષણ સચિવ રાજેશ કુમાર સિંહે આ કરારને આવકારતા કહ્યું હતું કે, સશસ્ત્ર દળોની વધતી જરૂરિયાતોને પહોંચી વળવા માટે મજબૂત ખાનગી ક્ષેત્ર અને આંતરરાષ્ટ્રીય ભાગીદારી અનિવાર્ય છે. આ સમજૂતીથી રક્ષણ ખરીદીમાં તંદુરસ્ત સ્પર્ધા જાગશે અને ભારત સંરક્ષણ ઉત્પાદનમાં આત્મનિર્ભરતા તરફ ઝડપથી આગળ વધશે.



