નવી દિલ્હીઃ ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની કંપની ‘અદાણી પોર્ટ્સ એન્ડ SEZ લિમિટેડ’ એ મંગળવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે તે શ્રીલંકામાં કોલંબો વેસ્ટ ઈન્ટરનેશનલ ટર્મિનલ પ્રોજેક્ટ માટે યુએસ ફંડિંગ પર નિર્ભર રહેશે નહીં અને તે પ્રોજેક્ટને પોતાની રીતે ભંડોળની વ્યવસ્થા કરીને પૂરો કરશે. કંપનીનો આ નિર્ણય યુએસ પ્રોસિક્યુટર્સે અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણી પર કથિત લાંચના કેસમાં આરોપ લગાવ્યા બાદ આવ્યો છે. અદાણી ગ્રૂપ કંપનીએ મંગળવારે મોડી રાત્રે એક એક્સચેન્જ ફાઇલિંગમાં જણાવ્યું હતું કે કોલંબો પ્રોજેક્ટ આવતા વર્ષની શરૂઆતમાં કમિશનિંગના ટ્રેક પર છે અને કંપની તેની મૂડી વ્યવસ્થાપન વ્યૂહરચના અનુસાર તેના પોતાના સંસાધનોમાંથી પ્રોજેક્ટને ભંડોળ આપશે. અદાણી પોર્ટ્સે એમ પણ જણાવ્યું હતું કે તેણે યુએસ ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ ફાઇનાન્સ કોર્પોરેશન (ડીએફસી) પાસેથી ભંડોળ માટેની તેની 2023ની વિનંતી પાછી ખેંચી લીધી છે.
ગયા વર્ષે નવેમ્બરમાં, DFC કોલંબો પોર્ટ પર ‘કોલંબો વેસ્ટ ઇન્ટરનેશનલ ટર્મિનલ’ના વિકાસ, બાંધકામ અને સંચાલન માટે 553 મિલિયન અમેરિકી ડોલરની લોન આપવા સંમત થયું હતું. આ ટર્મિનલ અદાણી પોર્ટ્સ, શ્રીલંકાની કંપની જોન કીલ્સ હોલ્ડિંગ્સ PLC અને શ્રીલંકા પોર્ટ્સ ઓથોરિટી (SLPA) દ્વારા વિકસાવવામાં આવી રહ્યું છે.
કોલંબો પ્રોજેક્ટ માટે યુએસ ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ ફાઇનાન્સ કોર્પોરેશનનું ભંડોળ હિંદ મહાસાગર ક્ષેત્રમાં ચીનના વધતા પ્રભાવનો સામનો કરવા માટેના યુએસ સરકારના પગલાનો એક ભાગ હતો. આને અદાણી પોર્ટ્સના વિશ્વસ્તરીય ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવા માટેના સમર્થન તરીકે જોવામાં આવ્યું હતું. જો કે, જ્યારે DFC એ અદાણી અને SLPA વચ્ચેના કરારમાં તેની શરતો મુજબ ફેરફાર કરવા કહ્યું ત્યારે લોન પ્રક્રિયા અટકી પડી હતી. બાદમાં શ્રીલંકાના એટર્ની જનરલે પણ બંને કંપનીઓ વચ્ચેના આ કરારની સમીક્ષા કરી હતી.
જાણકાર વર્તુળોએ જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટ પૂર્ણતાને આરે છે અને અદાણી પોર્ટ્સનો તેમાં 51 ટકા હિસ્સો છે.
Also read: આટલો ઓછો પગાર લે છે ગૌતમ અદાણી!
અદાણી ગ્રૂપની આ કંપનીએ ડીએફસી ફંડિંગ વિના પ્રોજેક્ટને આગળ વધારવાનો નિર્ણય કર્યો છે. કોલંબો વેસ્ટ ઇન્ટરનેશનલ ટર્મિનલ પ્રોજેક્ટ સપ્ટેમ્બર 2021માં શરૂ થયો હતો. આ માટે, અદાણી પોર્ટ્સે શ્રીલંકા પોર્ટ્સ ઓથોરિટી અને જ્હોન કીલ્સ હોલ્ડિંગ્સ સાથે એક કરાર પર હસ્તાક્ષર કર્યા હતા, જે હેઠળ 700 મિલિયન યુએસ ડોલરના રોકાણ સાથે કોલંબો પોર્ટની ક્ષમતાને વિસ્તૃત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
નોંધનીય છે કે ગયા મહિને અમેરિકન ન્યાય વિભાગે ગૌતમ અદાણી,અને અન્ય લોકો પર સૌર ઉર્જા સપ્લાય કોન્ટ્રાક્ટ મેળવવા માટે ભારતીય અધિકારીઓને 265 મિલિયન અમેરિકન ડોલરની લાંચ આપવાનું કાવતરું ઘડવાનો આરોપ મૂક્યો હતો. યુએસના આરોપો અનુસાર, અદાણી ગ્રીન એનર્જીને આ કોન્ટ્રાક્ટ દ્વારા 20 વર્ષમાં 2 બિલિયન યુએસ ડોલરનો નફો થવાની અપેક્ષા હતી. જોકે, અદાણી ગ્રુપે તમામ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા હતા અને દરેક સંભવિત કાનૂની માર્ગ અપનાવવાની વાત કરી હતી.
તાજેતરમાં DFCએ કહ્યું હતું કે તે અદાણી અને તેના જૂથના અધિકારીઓ સામે લાંચના આરોપો પર નજર રાખી રહી છે. DFC એ કોલંબો પ્રોજેક્ટ માટે અદાણી પોર્ટ્સને હજુ સુધી કોઈ ભંડોળ પૂરું પાડ્યું નથી. અદાણી પોર્ટ્સ પાસે 30 સપ્ટેમ્બર સુધીમાં આશરે 1.1 બિલિયન યુએસ ડોલરની રોકડ અનામત હતી અને કંપનીએ છેલ્લા 12 મહિનામાં 2.3 બિલિયન યુએસ ડોલરનો ઓપરેટિંગ નફો કર્યો છે. આમ અદાણી પાસે પૂરતા પૈસા છે, તેને DFCની લોનની જરૂર જ નથી. તે પોતાની રીતે આ પ્રોજેક્ટ પૂરો કરી લેશે, એમાં કોઇ શંકા નથી.