સોનાની દાણચોરીમાં પકડાયેલી અભિનેત્રી કોર્ટમાં ધ્રુસકે ને ધ્રુસકે રડી, કહ્યું- મને ઉંઘ પણ નથી આવતી

નવી દિલ્હીઃ તાજેતરમાં કન્નડ અને તમિલ ફિલ્મોની સુપ્રસિદ્ધ હીરોઇન રાન્યા રાવ સોનાની દાણચારી કરતાં પકડાઈ હતી. તેની ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સએ ધરપકડ કરી. રાન્યાએ શરીર, જાંઘ અને કમર પર ટેપ લગાવી પોતાના કપડા અને જેકેટની અંદર સોનું છુપાવી દાણચોરી કરી હતી. એક ટ્રિપમાંથી તે 13 લાખ કમાતી હતી. તેણે ગયા વર્ષે 30 વખત દુબઈની ટ્રિપ મારતા તે ડીઆરઆઇની નજરમાં આવી હતી. ધરપકડ બાદ તેને કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી. જ્યાં તે ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગી હતી. કોર્ટમાં તેના વકીલ સાથે વાત કરતાં તે ભાવુક થઈ હતી અને રડવા લાગી હતી.
તેણે કહ્યું, મને ઉંઘ નથી આવતી. હું માનસિક આઘાતમાંથી પસાર થઈ રહી છું. મારી આંખો નીચે કાળા કુંડાળા થઈ ગયા છે. હાલ કોર્ટે તેને ત્રણ દિવસ ડીઆરઆઈની કસ્ટડીમાં મોકલી છે. સમગ્ર નેટવર્કનો પર્દાફાશ થઈ શકે તે માટે ડીઆરઆઈએ તેની કસ્ટડી માંગી હતી. આ પહેલા ડીઆરઆઈએ કોર્ટમાં જણાવ્યું હતું કે રાવ એક સંગઠિત તસ્કરી ટોળકીનો હિસ્સો હોઈ શકે છે.
રાન્યા રાવને કોર્ટમાં રજૂ કરવામાં આવી ત્યારે ખૂબ પરેશાન લાગતી હતી. તેણે તેના વકીલ સાથે વાતચીત દરમિયાન કહ્યું, હું માનસિક તણાવમાં છું. મેં એવું તે શું કર્યું તે અંગે સતત વિચારી રહી છું. હું ઉંઘી શકતી નથી. એરપોર્ટની તે ઘટના મારા મગજમાંથી દૂર થતી નથી. રાન્યાએ તેના પર લાગેલા આરોપ અંગે સ્પષ્ટતા કરતાં કહ્યું, તે કોઈ સિન્ડીકેટનો હિસ્સો નથી અને કોઈએ તેને મજબૂર પણ નથી કરી. પ્રથમ વખત આ રીતે સોનું લાવી હોવાનો તેણે દાવો કર્યો હતો. જોકે ડીઆરઆઈ આ દાવામાં કેટલી સત્યતા છે તે તપાસી રહી છે. રાન્યાનો ફોન જપ્ત કરીને તેની પણ તપાસ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો…Video: આસામ પોલીસ રણવીર અલ્લાહબાદિયાને ધક્કો મારીને પુછપરછ માટે લઇ ગઈ! જુઓ વિડીયો
બે દિવસ પહેલા દુબઇથી અમીરાતની ફલાઇટમાં આવેલી ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ-ડીજીપી-ની સાવકી પુત્રી રાન્યારાવની ડાયરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ દ્વારા સાડા બાર કરોડ રૂપિયાની અંદાજિત કિંમતના 14.8 કિલો સોનાની દાણચોરી કરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. તેણે આ દાણચોરી માટે ખાસ પ્રકારના જેકેટ બનાવડાવ્યા હતા. આ ઉપરાંત રિસ્ટ બેલ્ટનો પણ ઉપયોગ કર્યો હતો.
પોલીસને રાન્યા રાવના લેવલ રોડ પર આવેલાં ઘરેથી પણ 2.06 કરોડ રૂપિયાના સોનાના દાગીના અને 2.67 કરોડ રૂપિયાની રોકડ મળી આવી હતી. બીજી તરફ કન્નડ અભિનેત્રી રાન્યા રાવના પિતા ડીજીપી-કર્ણાટક સ્ટેટ પોલીસ હાઉસિંગ કોર્પોરેશન રામચંન્દ્ર રાવે જણાવ્યું હતું કે મીડિયા દ્વારા મને આ સમાચારની જાણ થતાં હું આઘાત પામ્યો છું. મને આ બાબતની કશી જાણ નથી પણ કાયદો તેનું કામ કરશે. મારી કારકિર્દીમાં એક પણ કાળો ડાઘ પડયો નથી.