ચૂંટણી બાદ હિંસા મામલે બિહાર સરકારની કાર્યવાહીઃ સારણ જિલ્લાના એસપીની કરી બદલી
પટણાઃ બિહારના સારણ લોકસભા મતવિસ્તારમાં ચૂંટણી પછીની હિંસાના સંબંધમાં પાંચ દિવસ પછી રવિવારે જિલ્લા પોલીસ અધિક્ષક (એસપી) ગૌરવ મંગલાની બદલી કરવામાં આવી હતી. આ હિંસામાં એક વ્યક્તિનું મોત થયું હતું અને અન્ય બે ઘાયલ થયા હતા.
બિહાર સરકારના ગૃહ વિભાગ દ્વારા રવિવારે જાહેર કરાયેલા નોટિફિકેશન અનુસાર, સારણના એસપી મંગલાની તાત્કાલિક અસરથી પટનાના પોલીસ હેડક્વાર્ટરમાં બદલી કરવામાં આવી છે. ભારતના ચૂંટણી પંચના નિર્ણય બાદ મુઝફ્ફરપુરના પોલીસ અધિક્ષક (રેલવે) કુમાર આશિષ તાત્કાલિક અસરથી સારણના એસપીનો ચાર્જ સંભાળશે. સારણ લોકસભા સીટ માટે 20 મેના રોજ મતદાન થયું હતું.
સારણ જિલ્લાના ભીખારી ઠાકુર ચોક નજીક બડા તેલપા વિસ્તારમાં મતદાન પછીની હિંસામાં એક વ્યક્તિનું મોત થયું હતું અને અન્ય બે ઘાયલ થયા હતા. સારણમાં રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી)ના સુપ્રીમો લાલુ પ્રસાદની પુત્રી અને મહાગઠબંધનના ઉમેદવાર રોહિણી આચાર્ય અને ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના સાંસદ રાજીવ પ્રતાપ રૂડી વચ્ચે ટક્કર છે.
આ અઠવાડિયાની શરૂઆતમાં સારણ લોકસભા મતવિસ્તારમાં મતદાન દરમિયાન થયેલી હિંસામાં ભાજપ દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદના આધારે રોહિણી આચાર્યને પણ એફઆઈઆરમાં આરોપી તરીકે દર્શાવવામાં આવી છે. પોલીસે તપાસમાં બે લોકોની ધરપકડ કરી છે.