એક તરફી પ્રેમમાં પાગલ યુવાને વિદ્યાર્થિની પર એસિડ ફેંકયાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં યુવતીની અન્ય બે સહેલીઓ પણ તેનો ભોગ બની છે. આ ત્રણ ભોગ બનનાર માંથી એકની હાલત અત્યંત ગંભીર માનવમાં આવી રહી છે. માથા ફરેલા આરોપી આશીકે કહ્યું કે, ‘તે મારો પ્રેમ ઠુકરાવ્યો, જો તું મારી નહીં તો કોઈની નહીં’ તેમ કહીને યુવતી પર એસિડ ફેંકયું જેમાં તેની સાથે રહેલી અન્ય બે વિદ્યાર્થિનીઓ પણ ગંભીર રીતે દાઝી ગઈ હતી.
આ ઘટના કર્ણાટકના દક્ષિણ કન્નડ જીલ્લામાં પરીક્ષા આપવા આવેલી ત્રણ વિદ્યાર્થિની સાથે ઘટી હતી. જેમાં આરોપી ધરાર પ્રેમી હાલ પોલીસના સંકંજામાં છે. 23 વર્ષનો આરોપી અબીન કેરળનો નિવાસી છે. જે MBAનો વિદ્યાર્થી છે. આરોપી પાસેથી પોલીસે એસિડની અન્ય બોટલ પણ કબ્જે કરી છે. ભોગ બનનાર ત્રણ વિદ્યાર્થિનીઓ માંથી એકને પોતાના પ્રેમનો એકરાર કર્યો હતો.
થોડા સમય પહેલા અમદાવાદમાં એક મહિલાએ તેના પ્રેમી પર એસિડ એટેક કર્યાનું સામે આવ્યું હતુ. અમદાવાદમાં મહેજબીન છુવારા નામની મહિલાએ પોતાના પ્રેમી રાકેશ બ્રહ્મભટ્ટ પર એસિડ એટેક કર્યો હોવાની ઘટના બની હતી. પ્રેમી રાકેશ અમદાવાદની સિટી બસમાં કન્ડક્ટરની નોકરી કરતો હતો. ગત જાન્યુઆરી મહિનામાં પ્રેમિકાએ AMTSના કન્ટ્રોલ કેબિનમાં ઘૂસીને પ્રેમી પર એસિડથી હુમલો કર્યો હતો.
મહેજબીનને જાણ થઈ હતી કે રાકેશ બ્રહ્મભટ્ટે તેની મિત્ર સાથે સબંધ શરૂ કર્યો છે. જેથી દગાબાજ પ્રેમીને સબક શીખવાડવા તેને એસિડ એટેકનું ષડયંત્ર રચ્યું અને મિત્ર મિત સાથે પ્રેમી પર એસિડ હુમલો કર્યો હતો. એક રિપોર્ટ અનુસાર, NCRB ડેટામાં સૂચિબદ્ધ 19 મેટ્રોપોલિટન શહેરોમાંથી 8 મહિલાઓ ગયા વર્ષે બેંગલુરુમાં એસિડ એટેકનો શિકાર બની હતી. બીજા સ્થાને દેશની રાષ્ટ્રીય રાજધાની દિલ્હી છે, અને ત્રીજા નંબર પર અમદાવાદ હતું જ્યાં 2022માં આવા 5 કેસ સામે આવ્યા હતા.