નેશનલ

બિહારના બેગુસરાયમાં ઘરમાં ઘુસીને ભાજપના નેતાની દીકરી પર એસિડ અટેક

બેગુસરાય: બિહારમાં ગુનાખોરીની ઘટનાઓ સતત વધી રહી છે, બેગુસરાય જિલ્લામાં ગત રાત્રે એક ગોઝારી ઘટના બની હતી. ઘરમાં ઘુસીને એક યુવતી પર એસિડ અટેક કરવામાં આવ્યો (Acid attack in Bihar) હતો. એસિડ હુમલામાં યુવતી ગંભીર રીતે દાઝી ગઈ છે, જેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. અહેવાલ મુજબ પીડિત યુવતી સ્થાનિક ભાજપ નેતાની દીકરી છે.

અહેવાલ મુજબ, આ ઘટના બેગુસરાયના બાખરી નગર પરિષદના વોર્ડ નંબર 23માં બની હતી. 24 વર્ષીય યુવતી ગઈકાલે રાત્રે તેના ઘરમાં સૂતી હતી. જ્યારે તે સૂતી હતી ત્યારે એક અજાણ્યો શખ્સ ઘરમાં ઘૂસી ગયો અને યુવતીના હાથ અને ચહેરા પર એસિડ ફેંક્યું. યુવતી જાગી ગઈ, તેના ચહેરા અને હાથ પર બળતરા થઇ રહી હતી. યુવતીએ બુમો પાડતા પરિવારના સભ્યો દોડી આવ્યા, પરંતુ ત્યાં સુધીમાં ગુનેગાર નાસી છુટ્યો હતો. ઘાયલ યુવતીને એક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવી હતી, જ્યાં તેની સારવાર ચાલી રહી છે.

આ ઘટના ગત રાત્રે લગભગ 2 વાગ્યે બની. યુવતીના પિતાએ રાત્રે જ પોલીસને જાણ કરી હતી. હાલ પોલીસ આરોપીની ઓળખ કરવા અને તેને પકડી પાડવા તપાસ કરી રહી છે. ભાજપના જિલ્લા પ્રમુખે પોલીસ પાસે સમગ્ર મામલાની તપાસ કરીને કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.

પોલીસ તપાસ દરમિયાન પલંગ પર એસિડના નિશાન મળી આવ્યા હતા. ભાજપ જિલ્લા પ્રમુખે જણાવ્યું કે આ એક દુઃખદ ઘટના છે. તેમણે વહીવટીતંત્રને આ મામલે કડક કાર્યવાહી કરવા વિનંતી કરી છે.

આપણ વાંચો:  પીએમ મોદીએ દેશના પ્રથમ વર્ટીકલ સી-બ્રિજનું ઉદ્ઘાટન કર્યું, જાણો તેની વિશેષતાઓ….

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button