રામ અને રાષ્ટ્ર સાથે કોઈ સમાધાન નહીંઃ આચાર્ય પ્રમોદ કૃષ્ણમ કઈ વાતથી હતા નારાજ
નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યાના થોડા દિવસો બાદ કોંગ્રેસે આચાર્ય પ્રમોદ કૃષ્ણમને પાર્ટી વિરોધી કામના આરોપમાં 6 વર્ષ માટે પક્ષમાંથી કાઢી નાખ્યા હતા. શનિવારે એક સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે કોંગ્રેસ અધ્યક્ષે તત્કાલ પ્રભાવથી પ્રમોદ કૃષ્ણમને પાર્ટીમાંથી છ વર્ષ માટે હાંકી કાઢવાના ઉત્તર પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે.
તેમાં કહેવામાં આવ્યું છે કે અનુશાસનની ફરિયાદો અને પક્ષ વિરુદ્ધ વારંવાર જાહેર નિવેદનોને પગલે આ નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે બીજી બાજુ એમ પણ કહેવાય છે કે સંભલ અને લખનઉની બે બેઠક ગઠબંધનમાં સમાજવાદી પક્ષને ફાળે જાય છે, આ વાતથી તેઓ નારાજ છે. પ્રમોદ કૃષ્ણમ રાહુલ ગાંધીની નેતાગીરીથી નારાજ છે અને તેઓ પ્રિયંકાને પક્ષની ધૂરા આપવાનું સૂચન પણ કરી ચૂક્યા છે.
હવે કોંગ્રેસમાંથી હાંકી કાઢવામાં આવ્યા બાદ આચાર્ય પ્રમોદ કૃષ્ણમની પ્રથમ પ્રતિક્રિયા આવી છે. પોતાના X હેન્ડલ પર એક પોસ્ટમાં રાહુલ ગાંધીને ટેગ કરીને લખ્યું કે, રામ અને રાષ્ટ્ર પર કોઈ સમજૂતી થઈ શકે નહીં. પ્રમોદ ક્રિષ્ણમે જાહેર મંચ પર રાહુલ ગાંધીનો વિરોધ કર્યો હતો અને પ્રિયંકા ગાંધીનો પક્ષ લીધો હતો.
તેમની માંગ હતી કે કોંગ્રેસની કમાન પ્રિયંકાના હાથમાં આપવામાં આવે, તો જ પાર્ટીનો કાયાકલ્પ શક્ય છે. છેલ્લા કેટલાક દિવસોથી તેઓ ભાજપ પ્રત્યે પણ સહાનુભૂતિ દર્શાવી રહ્યા હતા. પાર્ટી લાઇનથી આગળ વધીને આચાર્ય પ્રમોદ ક્રિષ્ણમે રામ મંદિર પર ભાજપને સમર્થન આપ્યું હતું. તેમણે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહનો બહિષ્કાર કરવાના કોંગ્રેસના નિર્ણયની પણ ખુલ્લેઆમ ટીકા કરી હતી અને તેને દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યો હતો.
તેઓ 22 જાન્યુઆરીએ રામ લલ્લાના અભિષેકમાં હાજરી આપવા માટે અયોધ્યા પણ ગયા હતા. ત્યારબાદ તાજેતરમાં જ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથને મળ્યા હતા અને તેમને 19 ફેબ્રુઆરીએ કલ્કિ ધામના શિલાન્યાસ સમારોહમાં હાજરી આપવા આમંત્રણ આપ્યું હતું. તેઓ કલ્કિ ધામના પીઠાધીશ્વર પણ છે. પીએમ મોદીને મળ્યા બાદ આચાર્ય પ્રમોદ કૃષ્ણમે કહ્યું હતું કે તેમને મળ્યા પછી મને સમજાયું કે તેમના પર દૈવીય કૃપા છે. તે દૈવીય શક્તિનું પ્રતીક છે.
પીએમને મળ્યા બાદ મેં જે લાગણી અનુભવી તે શબ્દોમાં વ્યક્ત કરી શકાય તેમ નથી. આ સાથે તેમણે વિપક્ષી ગઠબંધન I.N.D.I.A. પર પણ આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે I.N.D.I.A. ગઠબંધન ક્યાં બાકી છે? બાળકનો જન્મ થતાં જ આ યુતિ બીમાર પડી અને આઈસીયુમાં ગઈ. આ પછી નીતીશ કુમારે પટણામાં અંતિમ સંસ્કાર કર્યા. જયંત ચૌધરી ટૂંક સમયમાં આ ગઠબંધનનું શ્રાદ્ધ કરશે.
આચાર્ય પ્રમોદ કૃષ્ણમનો જન્મ 4 જાન્યુઆરી 1965ના રોજ ઉત્તર પ્રદેશના સંભલમાં એક ત્યાગી પરિવારમાં થયો હતો. તેઓ કોંગ્રેસની ટિકિટ પર બે વખત લોકસભાની ચૂંટણી લડી ચૂક્યા છે. પાર્ટીએ તેમને 2014માં સંભલ અને 2019માં લખનઉથી ઉમેદવાર બનાવ્યા હતા. બંને વખત તેને હારનો સામનો કરવો પડ્યો હતો.