તમિલનાડુ BSP પ્રદેશ અધ્યક્ષની હત્યા કેસનો 1 આરોપી એન્કાઉન્ટરમાં ઠાર
ચેન્નઈ: બહુજન સમાજ પાર્ટી (BSP)ના તમિલનાડુ યુનિટ(Tamilnadu)ના વડા કે આર્મસ્ટ્રોંગ(K Armstrong)ની હત્યાના મુખ્ય આરોપીને રવિવારે સવારે પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર કરવામાં આવ્યો છે. 30 વર્ષના આરોપીનું નામ કે તિરુવેંગડમ(Thiruvengadam) હતું. આર્મસ્ટ્રોંગ હત્યા કેસમાં ધરપકડ કરાયેલા 11 શંકાસ્પદોમાં તે સામેલ હતો.
પોલીસે જણાવ્યું કે આરોપી તિરુવેંગડમે આજે સવારે પોલીસ કસ્ટડીમાંથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. તેણે પોલીસકર્મી પર પણ હુમલો કર્યો હતો. આ દરમિયાન એક પોલીસ અધિકારીએ તેમના પર ગોળીબાર કર્યો હતો. તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો, પરંતુ તે મૃત્યુ પામ્યો હતો. હિસ્ટ્રીશીટર તિરુવેંગડમ સામે પહેલાથી જ અનેક ગુનાહિત કેસ નોંધાયેલા છે.
પોલીસના જણાવ્યા અનુસાર, BSP નેતાની હત્યામાં ઉપયોગમાં લેવાયેલા હથિયારોની શોધ માટે તિરુવેંગડમને લઈ જવામાં આવ્યો હતો, ત્યારે તેણે ભાગવાની કોશિશ કરી હતી.
BSP ચીફ આર્મસ્ટ્રોંગની 5 જુલાઈના રોજ ચેન્નઈમાં તેમના ઘરની સામે હત્યા કરવામાં આવી હતી. 52 વર્ષીય આર્મસ્ટ્રોંગ સાંજે લગભગ 7 વાગ્યાની આસપાસ ચેન્નઈના સેમ્બિયમ વિસ્તારમાં વેણુગોપાલ સ્ટ્રીટ પર પોતાના ઘરે પાર્ટીના કેટલાક કાર્યકરો સાથે વાત કરી રહ્યા હતા, ત્યારે બે બાઇક પર સવાર છ શખ્સોએ આવીને છરી અને તલવાર વડે હુમલો કર્યો હતો.
આ પછી તેઓ ત્યાંથી ભાગી ગયા હતા. આર્મસ્ટ્રોંગને અપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, પરંતુ ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.
પોલીસે ઘટનાના કલાકોમાં જ ગેંગના 8 શકમંદોની અટકાયત કરી હતી. બીજા દિવસે અન્ય ત્રણ લોકોની અટકાયત કરવામાં આવી હતી. તેમની ઓળખ પોન્નાઈ વી બાલુ, ડી રામુ, કેએસ તિરુમલાઈ, ડી સેલ્વરાજ, જી અરુલ, કે મણિવન્નન, કે તિરુવેંગડમ, જે સંતોષ, ગોકુલ, વિજય અને શિવશંકર તરીકે થઈ હતી. પોલીસને આ ઘટના પાછળ ગેંગસ્ટર આર્કોટ સુરેશના લોકોનો હાથ હોવાની આશંકા હતી. ગેંગસ્ટર સુરેશની 2023માં હત્યા કરવામાં આવી હતી.
Also Read –