કોલકાતા રેપ કાંડઃ આરોપીએ કેમેરા સામે કર્યો બચાવ, ફસાવ્યાનો દાવો
કોલકાતા: આરજી કર મેડિકલ કોલેજ હોસ્પિટલમાં મહિલા તાલીમાર્થી ડોક્ટર સાથે બળાત્કાર અને હત્યાના કેસમાં આરોપી સંજય રોયે કેમેરાની સામે કહ્યું કે તે નિર્દોષ છે અને તેણે ન તો બળાત્કાર કર્યો છે કે ન તો ડોક્ટરની હત્યા કરી છે. તે કેમેરા સામે આજીજી કરતો જોવા મળ્યો હતો અને કહ્યું હતું કે તે નિર્દોષ છે અને તેને જાણીજોઈને આ કેસમાં ફસાવવામાં આવ્યો છે. તાલીમાર્થી ડોક્ટર સાથે બળાત્કાર અને હત્યાના ૮૭ દિવસ બાદ ચાર્જશીટની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.
આ પણ વાંચો: કોલકાતા રેપ અને મર્ડર કેસઃ CJIએ કહ્યું -મહિલા ડૉક્ટરોને નાઈટ શિફ્ટ કરતા રોકી શકાય નહી
સંજય રોયે કહ્યું કે મેં બળાત્કાર અને હત્યા નથી કરી. મને મારી વાત કહેવાની તક આપવામાં આવી નથી અને મારા પર સીધા આરોપો લગાવવામાં આવ્યા છે. મારી વાત કોઈએ સાંભળી નથી. આરોપ લાગ્યા પછી પણ હું આટલા લાંબા સમય સુધી ચૂપ રહ્યો, મને એમ કહીને ડરાવવામાં આવી રહ્યો છે કે તું કશું બોલતો નહીં! હું સંપૂર્ણપણે નિર્દોષ છું, મને ફસાવવામાં આવ્યો છે.
મહિલા ડૉક્ટર પર બળાત્કાર અને હત્યાના આરોપી સંજય રોયને સોમવારે સિયાલદહની જિલ્લા અને સેશન્સ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. સીબીઆઈની ચાર્જશીટમાં આ બળાત્કાર અને હત્યા કેસમાં સંજય રોય એકમાત્ર આરોપી છે. જજની બંધ ચેમ્બરમાં તેની સામે આરોપ ઘડવાની પ્રક્રિયા શરૂ થઈ છે . સૂત્રોના જણાવ્યા અનુસાર આ કેસની સુનાવણી ૧૧ નવેમ્બર સુધી દરરોજ થશે.
આ પણ વાંચો: કોલકાતા રેપ-મર્ડર કેસમાં CBI દ્વારા કોલેજના પૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષની ધરપકડ…
સૂત્રોના જણાવ્યા અનુસાર આરજી કરના ભૂતપૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષ અને તાલા પોલીસ સ્ટેશનના ભૂતપૂર્વ પોલીસ અધિકારી અભિજિત મંડલની સંડોવણીની તપાસ માટે તેમના ફોનની ફોરેન્સિક તપાસ કરવામાં આવી હતી.
ફોનની તપાસમાં જાણવા મળ્યું હતું કે બંનેએ ઘણા પુરાવા સાથે છેડછાડ કરી હતી અને તેનો નાશ કર્યો હતો. એવું માનવામાં આવે છે કે બંનેએ હત્યા અને બળાત્કારના પુરાવા ડીલીટ કરી નાખ્યા હતા.