નેશનલ

IB ચીફ તપન ડેકાનો કાર્યકાળ લંબાવાયો; પાકિસ્તાન અને આતંકવાદ સામે આ ‘ચાણક્ય’ની જરૂર કેમ?

નવી દિલ્હી: જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં 22 એપ્રિલના રોજ થયેલા આતંકવાદી હુમલામાં 26 લોકોના મોત થયા હતાં. ભરતીય સેનાએ ઓપરેશન સિંદૂર હાથ ધરી પાકિસ્તાન અને PoKમાં 9 આતંકવાદી ઠેકાણાંનો નાશ કર્યો હતો, પરંતુ પહલગામમાં હુમલો કરનાર આતંકવાદીઓની તપાસ હજુ ચાલી રહી છે. એવામાં આજે મંગળવારે કેન્દ્ર સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. સરકારે ઇન્ટેલિજન્સ બ્યુરો (IB) ના ડિરેક્ટર તપન કુમાર ડેકા(Tapan Kumar Deka)નો કાર્યકાળ 30 જૂન પછી વધુ એક વર્ષ માટે લંબાવ્યો છે. પાકિસ્તાન સાથેના તણાવને ધ્યાનમાં રાખીને આ નિર્ણયને મહત્વનો માનવામાં આવે છે.

એપોઇન્ટમેન્ટ કમિટી ઓફ કેબિનેટ(ACC) દ્વારા જાહેર કરવામાં આવેલા એક નિવેદનમાં જણાવવામાં આવ્યું કે “ACCએ તપન કુમાર ડેકાને 30 જૂન, 2025 થી વધુ એક વર્ષ માટે અથવા આગામી આદેશો સુધી, જે વહેલું હોય ત્યાં સુધી, ઓલ ઈન્ડિયા સર્વિસીસ (ડેથ કમ રિટાયરમેન્ટ બેનિફિટ્સ) રૂલ્સ, 1958 ના FR (ફંડામેન્ટલ રૂલ્સ) 56 (d) અને નિયમ 16 (1A) ની જોગવાઈઓમાં છૂટછાટ આપીને, ઇન્ટેલિજન્સ બ્યુરોના ડિરેક્ટર તરીકે સેવામાં એક્સટેન્શનને મંજૂરી આપી છે.”

આ પણ વાંચો: Jammu Kashmir માં આતંકવાદને નાબૂદ કરવા સરકાર કટિબદ્ધ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આપ્યા આ નિર્દેશ

એક અધિકારીઓએ જણાવ્યું હતું કે સરકાર મુખ્ય હોદ્દાઓ પર વિશ્વાસપાત્ર અને કાર્યક્ષમ અધિકારીઓ ઈચ્છે છે કારણ કે કેન્દ્રીય ગુપ્તચર અને તપાસ એજન્સીઓ હાલમાં આતંકવાદ, સાયબર-વોર, ફાઇનાન્સિયલ ક્રાઈમ વગેરે સંબંધિત વિવિધ મહત્વપૂર્ણ બાબતો પર કામ કરી રહી છે.

બીજીવાર એક્સટેન્શન મળ્યું:

તપન કુમાર ડેકા હિમાચલ પ્રદેશ કેડરના 1998 બેચના IPS અધિકારી છે. ડેકાને 2022 માં બે વર્ષના નિશ્ચિત કાર્યકાળ માટે IB વડા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. ગયા વર્ષે જૂનમાં તેમને એક વર્ષ માટે એક્સટેન્શન આપવામાં આવ્યું હતું, હવે તેમને વધુ એક એક્સટેન્શન આપવામાં આવ્યું છે.

CBIના ડિરેક્ટરને પણ એક્સટેન્શન:

આ મહિનાની શરૂઆતમાં, ACC એ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) ના ડિરેક્ટર – પ્રવીણ સૂદનો કાર્યકાળ પણ એક વર્ષ માટે લંબાવ્યો હતો. વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ભારતના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્ના અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીની બનેલી હાઈ પાવર કમિટીએ સૂદને એક્સટેન્શન આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

કોણ છે પવન ડેકા?

IPS અધિકારી પવન ડેકા ઇન્ટેલિજન્સ બ્યુરોના 28મા ડિરેક્ટર છે. તેઓ 1995 માં ઇન્ટેલિજન્સ બ્યુરોમાં જોડાયા હતા અને ત્યારથી તેઓ IBના મહત્વપૂર્ણ કામગીરીમાં સામેલ છે. 2022 માં IB વડા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા, એ પહેલા ડેકા IB માં કાશ્મીર આતંકવાદ પર નજર રાખવાની મહત્વની જવાબદારી સાંભળી રહ્યા હતા.

પવન ડેકાનો જન્મ 25 ફેબ્રુઆરી, 1963ના રોજ આસામના સરથેબારીમાં થયો હતો. દિલ્હી યુનિવર્સિટીમાંથી ભૌતિકશાસ્ત્રમાં માસ્ટર ડિગ્રી પૂર્ણ કર્યા પછી, તેમણે તેમના પહેલા પ્રયાસમાં જ ઇન્ડિયન પોલીસ સર્વિસમાં પસંદગી પામ્યા હતાં અને 1988 માં હિમાચલ પ્રદેશ કેડરનો ભાગ બન્યા.

1995માં ઇન્ટેલિજન્સ બ્યુરોમાં જોડાયા બાદ તપન ડેકાએ ડેપ્યુટી ડિરેક્ટર, જોઈન્ટ ડિરેક્ટર, એડિશનલ ડિરેક્ટર અને સ્પેશિયલ ડિરેક્ટર તરીકે સેવા આપી હતી. ડેકાને 2012 માં પોલીસ સર્વિસ માટે રાષ્ટ્રપતિ મેડલ પણ મળ્યો હતો.

તેમણે અમેરિકામાં પણ ભારત તરફથી સર્વિસ આપી હતી અને પાકિસ્તાન પ્રાયોજિત મુજાહિદ્દીન જૂથને તોડી પાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેઓ 26/11 ના મુંબઈ આતંકવાદી હુમલાની તપાસનો ભાગ હતા. તેમણે ઉત્તર-પૂર્વીય રાજ્યોમાં બળવાખોરી અને કાશ્મીરમાં આતંકવાદ ડામવા કામગીરી પણ સંભાળી હતી.

ડેકા એક અફઘાનિસ્તાન-પાકિસ્તાનને લગતી બાબતોના નિષ્ણાત છે, કારકિર્દી દરમિયાન તેમની પાસે જેહાદી અને ઇસ્લામિક ઉગ્રવાદને ટ્રેક કરવાનો બે દાયકાથી વધુનો અનુભવ છે.

આસામના સબસિડિયરી ઇન્ટેલિજન્સ બ્યુરો (SIB) ના વડા અને ઓપરેશન્સ યુનિટ સહિત વિવિધ હોદ્દાઓ પર કામ કર્યા પછી, ડેકાએ કાશ્મીરમાં આતંકવાદ, ઇન્ડિયન મુજાહિદ્દીનની પ્રવૃત્તિઓ, પ્રતિબંધિત સંગઠન – SIMI (સ્ટુડન્ટ્સ ઇસ્લામિક મૂવમેન્ટ ઓફ ઇન્ડિયા), લશ્કર-એ-તૈયબા, જૈશ-એ-મોહમ્મદ વગેરે પર નજર રાખવાનું કામ કર્યું છે.

ડેકાએ અલ કાયદા અને ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ સીરિયા (ISIS) અને અફઘાનિસ્તાન-પાકિસ્તાન ક્ષેત્રમાં આ સંગઠનોની પ્રવૃત્તિઓ અને ભારત પર તેમની અસર અંગે પણ નજીકથી કામ કર્યું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button