181 અભયમ હેલ્પલાઈન: નવ વર્ષમાં 14 લાખ મહિલાઓની મદદે આવી
અમદાવાદઃ પતિ મારે છે, કે દીકરો હડધૂત કરે છે, માતા-પિતા ભણવા નથી દેતા કે મનપસંદ સાથી સાથે લગ્ન નથી કરવા દેતા, નોકરીના સ્થળે કનડગત છે કે પછી પડોશી સ્ટોક કરે છે. જેપણ કોઈ સમસ્યા હોય ગુજરાતની મહિલાઓ પાસે એક સાથી છે અને તે છે અભયમ હેલ્પલાઈન. પોલીસની મદદ લેવા ખચકાતી મહિલાઓ અભયમની મદદ લે છે. હેલ્પલાઈનમાં કાર્યરત મહિલાઓ પોલીસ નહીંપણ મિત્ર બનીને મહિલાઓને જ નહીં પણ પુરુષોનું પણ કાઉન્સિલિંગ કરે છે. વાતચીતથી સમસ્યાનું સમાધાન લાવવાના પ્રયાસો થાય છે અને તે કારગત ન નીવડે તો કાનૂનનો રસ્તો અપનાવી મહિલાઓને ન્યાય આપવાનો પ્રયાસ થાય છે. આ હેલ્પલાઈને નવ વર્ષમાં 14 લાખથી પણ વધારે મહિલાઓને પ્રત્યક્ષ રીતે મદદ કરવાનો સંનિષ્ઠ પ્રયાસ કર્યો છે.
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ દ્વારા 181 અભયમ મહિલા હેલ્પલાઈનને વધુ ઝડપી બનાવવા માટે નવી 12 રેસ્ક્યુ વાન લોન્ચ કરવામાં આવી છે. આ સાથે મહિલા સુરક્ષા મામલે ગુજરાત એકમાત્ર એવું રાજ્ય બન્યું છે જ્યાં આ પ્રકારની સેવા ચોવીસે કલાક પૂરી પાડવામાં આવે છે. આ સાથે ડીઝીટલી ડોક્યુમેન્ટને સાચવવા માટે કોમ્યુટર બેઈઝ્ડ ડિઝાઈનનો ઉપયોગ કરનાર ગુજરાત ભારતનું પ્રથમ રાજ્ય પણ બન્યું છે.
ગુજરાત સરકારના આંકડા મુજબ છેલ્લા નવ વર્ષમાં લગભગ 14 લાખ મહિલાઓને હેલ્પલાઈન દ્વારા સલાહ, સુરક્ષા અને માર્ગદર્શન આપવામાં આવ્યું છે. અભયમ રેસ્ક્યુ વાનનો ઉપયોગ કરી લગભગ 2.81 લાખ મહિલાઓની કાઉન્સિલર દ્વારા મદદ કરવામાં આવી છે. આ ઉપરાંત 1.77 લાખ કેસોનો ઉકેલ સ્થળે જ કરવામાં આવ્યો છે. જ્યારે 86,000થી વધુ મહિલાઓને અન્ય સરકારી સંસ્થાઓમાં કાઉન્સિલિંગ માટે મોકલવામાં આવી હતી.
મહિલાઓના ખરા સાથી તો તેમના પરિવારજનો, મિત્રો કે સહકર્મીઓ હોવા જોઈએ, પણ આ બધા પાસેથી સાથ મળવાને બદલે જ્યારે તકલીફો મળે ત્યારે તે પોલીસ એજન્સીની મદદ માગતી હોય છે. આજના મહિલા દિવસે આશા રાખીએ કે અભયમને આ વર્ષે મદદ માટે ઓછા કૉલ્સ આવે.