1993 સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસ: આરોપી અબ્દુલ કરીમ ટુંડા નિર્દોષ, અજમેરની ટાડા કોર્ટનો ચૂકાદો
અજમેરથી મોટા સમાચાર જાણવા મળી રહ્યા છે. 1993ના સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસમાં અહીંની ટાડા કોર્ટે આતંકવાદી અબ્દુલ કરીમ ટુંડાને નિર્દોષ જાહેર કર્યો છે. આ સિવાય બે આરોપી ઈરફાન અને હમીદુદ્દીનને સજા સંભળાવવામાં આવી છે.
અયોધ્યામાં બાબરી મસ્જિદના ધ્વંસ પછી, 1993માં કોટા, લખનૌ, કાનપુર, હૈદરાબાદ, સુરત અને મુંબઈની ટ્રેનોમાં શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટ થયા હતા અને ટુંડા આ કેસોમાં આરોપી હતો. CBIએ ટુંડાને આ વિસ્ફોટોનો માસ્ટરમાઈન્ડ ગણાવ્યો હતો અને 2013માં નેપાળ બોર્ડર પરથી તેની ધરપકડ કરવામાં આવી હતી. ટુંડા વિરુદ્ધ દેશમાં વિવિધ સ્થળોએ આતંકવાદના કેસ ચાલી રહ્યા છે. ટુંડાએ કથિત રીતે યુવાનોને ભારતમાં આતંકવાદી ગતિવિધિઓને અંજામ આપવા માટે તાલીમ આપી હતી. પાકિસ્તાની નાગરિક જુનૈદ સાથે મળીને તેણે કથિત રીતે 1998માં ગણેશ ઉત્સવ દરમિયાન આતંકવાદી હુમલો કરવાની યોજના બનાવી હતી.
મુંબઈ બોમ્બ વિસ્ફોટોમાં સામેલ થતાં પહેલાં ટુંડાએ જલીસ અંસારી સાથે મળીને મુંબઈમાં મુસ્લિમ સમુદાય માટે કામ કરવાના ઉદ્દેશ્ય સાથે ‘તન્ઝીમ ઈસ્લાહ-ઉલ-મુસ્લિમીન’ નામની સંસ્થાની સ્થાપના કરી હતી. મધ્ય દિલ્હીમાં દરિયાગંજના છત્તા લાલ મિયાં વિસ્તારમાં એક ગરીબ પરિવારમાં જન્મેલા ટુંડાએ ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં પિલખુઆ ગામના તેમના મૂળ ગામ બજાર ખુર્દ વિસ્તારમાં સુથાર તરીકે કામ કરવાનું શરૂ કર્યું. તેણે તેના પિતાને મદદ કરવાનું શરૂ કર્યું, ટુંડાના પિતા રોજીરોટી કમાવવા માટે તાંબુ, જસત અને એલ્યુમિનિયમ જેવી ધાતુઓ ગાળવાનું કામ કરતા હતા. તેના પિતાના મૃત્યુ પછી ટુંડાએ આજીવિકા માટે ભંગારનું કામ શરૂ કર્યું અને કટ્ટરપંથી જેહાદી આતંકવાદી બનતા પહેલા કપડાનો વ્યવસાય પણ કર્યો હતો.
80ના દાયકામાં તે પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISIના ઓપરેટિવ્સ દ્વારા લશ્કર-એ-તૈયબાના સંપર્કમાં આવ્યો હતો. ત્યાર બાદ ટુંડાએ કટ્ટરવાદ અપનાવ્યો હતો. 65 વર્ષની ઉંમરે તેણે 18 વર્ષની છોકરી સાથે ત્રીજી વખત લગ્ન કર્યા. ટુંડાનો નાનો ભાઈ અબ્દુલ મલિક હજુ સુથાર છે. તે ટુંડાના પરિવારનો એકમાત્ર સભ્ય છે જે ભારતમાં જીવંત છે. 1992માં ભારતથી ભાગીને બાંગ્લાદેશ ગયેલા ટુંડાએ બાંગ્લાદેશ અને બાદમાં પાકિસ્તાનમાં આતંકવાદીઓને બોમ્બ બનાવવાની તાલીમ આપી હતી. પોલીસે જણાવ્યું હતું કે ટુંડા 1996 અને 1998માં બોમ્બ હુમલાનું ષડયંત્ર રચવા ઢાકાથી ભારત પરત ફર્યો હતો. ટુંડા 1996 થી 1998 વચ્ચે દિલ્હીમાં થયેલા લગભગ તમામ બોમ્બ વિસ્ફોટોમાં તે સામેલ હતો. આ પછી ટુંડા 1998માં ગાઝિયાબાદ સ્થિત પોતાના ઘરેથી પાકિસ્તાન થઈને બાંગ્લાદેશ ગયો હતો. ટુંડાએ 2010માં ભારતમાં યોજાયેલી કોમનવેલ્થ ગેમ્સ પહેલા સીરિયલ બ્લાસ્ટ કરવાનો પણ પ્રયાસ કર્યો હતો.