હરિયાણાની બધી બેઠકો પર ચૂંટણી લડશે AAP
હરિયાણામાં આગામી કેટલાક મહિનામાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. દરેક રાજકીય પક્ષોએ આચૂંટણી માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. દરમિયાન પંજાબના મુખ્ય પ્રધાન ભગવંત માને કહ્યું છે કે તેમની આમ આદમી પાર્ટીએ હરિયાણામાં ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે. તેમની પાર્ટી હરિયાણાની દરેક બેઠકો પર ઉમેદવાર ઊભો રાખશે.
આમ આદમી પાર્ટીના સંજય સિંહે જણાવ્યું હતું કે તેની પાર્ટી હરિયાણામાં સંપૂર્ણ તાકાત સાથે ચૂંટણી લડવા ઉતરશે. હરિયાણામાં છેલ્લા દસેક વર્ષથી ડબલ એન્જિનની સરકાર છે અને ત્યાંના ખેડૂતો તેમ જ સામાન્ય લોકોની હાલત એકદમ કથળી ગઇ છે. અહીં ભારે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે. અમે ખેડૂતોની હાલત જોઈ છે. આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટી હરિયાણાની તમામ સીટો પર ચૂંટણી લડશે.
I.N.D.I.A. ગઠબંધનનો ભાગ હોવા છતાં હરિયાણાની બધી સીટ પર ઉમેદવાર ઉતારવા અંગે પૂછવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે દરેક જગ્યાના સંજોગ અલગ અલગ છે. ભારત 144 કરોડ લોકોનો દેશ છે. લોકસભાની ચૂંટણી વચ્ચે સ્થિતિ અલગ હતી અને હવે સ્થિતિ અલગ છે. અમે હરિયાણાની બધી બેઠકો પર ચૂંટણી લડશું.