
નવી દિલ્હીઃ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ બુધવારે AAP સાંસદ સંજય સિંહના ઘરે દરોડા પાડ્યા હતા. મળતી માહિતી મુજબ EDએ આ દરોડા દિલ્હીની વિવાદાસ્પદ લિકર પોલિસીમાં થયેલા કૌભાંડને લઈને પાડ્યા છે. અગાઉ સંજય સિંહની નજીકના સ્થળો પર પણ દરોડા પાડવામાં આવ્યા હતા. સંજય સિંહનું નામ દારૂ કૌભાંડની ચાર્જશીટમાં પણ હતું. દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાની પણ દારૂ નીતિ કૌભાંડ કેસમાં ધરપકડ કરવામાં આવી છે.
આ પહેલા પણ આમ આદમી પાર્ટીના ઘણા નેતાઓ તપાસ એજન્સીઓના રડાર પર આવી ચુક્યા છે. ઈડીએ ગયા વર્ષે મે મહિનામાં મની લોન્ડરિંગ કેસમાં AAP સરકારમાં મંત્રી રહેલા સત્યેન્દ્ર જૈનની ધરપકડ કરી હતી. જો કે, હાલમાં તેઓ બીમારીના કારણે સુપ્રીમ કોર્ટમાંથી વચગાળાના જામીન પર છે.
આ સિવાય EDએ આ વર્ષે ફેબ્રુઆરીમાં દિલ્હી લિકર પોલિસીમાં કૌભાંડના આરોપમાં ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાની ધરપકડ કરી હતી. સિસોદિયા હાલ જેલમાં છે. જો કે આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ પોતાના નેતાઓને કટ્ટર ઈમાનદાર ગણાવી રહ્યા છે.
શું છે દિલ્હીનું દારૂ કૌભાંડ?
આ મામલો દિલ્હી સરકારની નવી લિકર પોલિસી 2021-22 સાથે જોડાયેલો છે. દિલ્હી સરકારે 17 નવેમ્બર 2021થી દિલ્હીમાં નવી આબકારી નીતિ લાગુ કરી હતી. નવી દારૂની નીતિ હેઠળ, દારૂનો વ્યવસાય સંપૂર્ણપણે ખાનગી હાથમાં સોંપવામાં આવ્યો હતો.
દિલ્હી સરકારે માફિયા શાસનને ખતમ કરવા માટે નવી આબકારી નીતિ લાવવાની દલીલ કરી હતી. આનાથી સરકારની આવકમાં વધારો થશે તેવો દાવો પણ કરવામાં આવ્યો હતો. નવી આબકારી નીતિ દિલ્હીમાં લાગુ કરવામાં આવી ત્યારે સરકારના દાવાઓથી બિલકુલ વિપરીત પરિણામો આવ્યા. જ્યાં સરકારે આવકમાં વધારો થવાનો દાવો કર્યો હતો એને બદલે સરકારને ભારે નુકસાન વેઠવું પડ્યું હતું.
31 જુલાઈ, 2022ની કેબિનેટ નોટમાં સરકારે સ્વીકાર્યું કે જંગી વેચાણ છતાં આવકમાં ભારે નુકસાન થયું છે. નવી આબકારી નીતિના અમલ પછી, દિલ્હી સરકાર મહેસૂલના નુકસાન માટે ટીકા હેઠળ આવી હતી.
કેન્દ્ર શાસિત પ્રદેશના મુખ્ય સચિવ નરેશ કુમારે આ નીતિમાં અનિયમિતતાનો આરોપ મૂક્યો હતો. મુખ્ય સચિવ નરેશ કુમારે લેફ્ટનન્ટ ગવર્નર (એલજી) વીકે સક્સેનાને રિપોર્ટ આપ્યો હતો. આ રિપોર્ટમાં ચીફ સેક્રેટરીએ એક્સાઇઝ પોલિસીમાં અનિયમિતતાની સાથે ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા પર દારૂના વેપારીઓને અયોગ્ય લાભ આપવાનો પણ આરોપ લગાવ્યો હતો.
દિલ્હીના એલજીએ મુખ્ય સચિવના રિપોર્ટના આધારે 22 જુલાઈ 2022ના રોજ સીબીઆઈ તપાસની ભલામણ કરી હતી. એલજીની ભલામણ બાદ સીબીઆઈએ કેસ નોંધ્યો અને મામલાની તપાસ શરૂ કરી અને કેન્દ્રીય એજન્સીએ હવે આ કેસમાં ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાની ધરપકડ કરી છે.
તમામ વિવાદો, આક્ષેપો અને પ્રતિ-આક્ષેપો, આવકમાં નુકસાન અને સીબીઆઈ તપાસ પછી દિલ્હી સરકારે તેના પગલા પાછા ખેંચી લીધા હતા અને 1 સપ્ટેમ્બર, 2022 થી જૂની દારૂની નીતિ પાછી લાગુ કરી હતી.