10 ઓક્ટોબર સુધી EDની કસ્ટડીમાં રહેશે AAP સાંસદ સંજયસિંહ
આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહની આબકારી નીતિમાં કૌભાંડના કેસમાં EDએ બુધવારે ધરપકડ કરી હતી. બુધવારે આખી રાત તેમને ED હેડ ક્વાર્ટરમાં રાખ્યા બાદ આજે દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં તેમને રજૂ કરવામાં આવ્યા છે. કોર્ટમાં ચાલેલી કેસની કાર્યવાહી દરમિયાન EDએ 10 દિવસના રિમાન્ડની કોર્ટ સામે માગણી કરી હતી. જો કે કોર્ટે 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
સુનાવણી દરમિયાન કોર્ટે EDને પૂછ્યું કે જો તમારી પાસે પહેલેથી જ મજબૂત પુરાવા હતા તો ધરપકડ કરવામાં આટલી વાર કેમ કરી? જે પૈસાની લેણદેણના આરોપો છે, તે તો ઘણા સમય પહેલા બન્યું હતું. તો પછી હવે કાર્યવાહી શું કામ? આ પછી જ્યારે EDએ સંજય સિંહની કસ્ટડીની અપીલ કરી ત્યારે કોર્ટે કહ્યું કે તમે પહેલેથી ફોન જપ્ત કરી લીધો છે તો હવે કસ્ટડી કેમ જોઇએ છે?
EDએ કોર્ટમાં કહ્યું હતું કે આ મામલે નિવેદનો હવે પ્રાપ્ત થયા છે. દિનેશ અરોરા જે આ કેસમાં સામેલ છે તેના એક કર્મચારીએ જણાવ્યું હતું કે તેમણે 2 કરોડ રૂપિયા સંજય સિંહના ઘરે મોકલાવ્યા હતા. આ સિવાય 1 કરોડ ઇન્ડો સ્પ્રિટની ઓફિસમાંથી લઇને સંજય સિંહને આપ્યા હતા. ગઇકાલે જે દરોડાની કાર્યવાહી કરી તેમાં ડિજીટલ એવિડન્સ મળ્યા છે. તેને લઇને કસ્ટડી જોઇએ છે તેમ EDએ કોર્ટમાં જણાવ્યું.
દિનેશ અરોરાએ પહેલા કહ્યું હતું કે સંજય સિંહ પ્રભાવશાળી વ્યક્તિ છે. તેણે પહેલા સંજય સિંહનું નામ લીધું ન હતું. વિજય નાયરે તેને ધમકી આપી હતી તેમ EDએ કોર્ટમાં જણાવ્યું હતું.
સંજય સિંહ તરફથી કોર્ટમાં હાજર વકીલ મોહિત માથુરે દલીલ કરતા કહ્યું હતું કે કેટલાક કેસમાં ક્યારેય તપાસ પૂર્ણ નથી થતી. આ મામલે સતત તપાસ ચાલ્યા જ કરશે. સાક્ષી તરીકે દિનેશ અરોરા પણ વિશ્વસનીય નથી. તે વારંવાર નિવેદનો બદલ્યા કરે છે. જામીન મળ્યા બાદ દિનેશ અરોરાને એકપણ વાર EDએ સમન્સ મોકલ્યું નથી.
આ ઉપરાંત કોર્ટમાં સંજય સિંહે પણ જજ સમક્ષ દલીલો કરી હતી કે આ કેસની ઘણા લાંબા સમયથી તપાસ ચાલી રહી છે. અમિત અરોરા અને દિનેશ અરોરા બંનેના નિવેદનો ED લઇ ચુકી છે. અમિત અરોરાને આટલા સમય સુધી કંઇ કહ્યું નહિ અને હવે મારું નામ કેમ યાદ આવ્યું? જો મારા વિરુદ્ધ લાગેલા આરોપોમાં તથ્ય હોય તો મને કડક સજા મળવી જોઇએ પરંતુ આ પ્રકારે પાયા વગરની તપાસ કરવી કઇ રીતે યોગ્ય છે. મને એકપણ વાર સમન્સ નથી મોકલ્યું અને સીધી ધરપકડ કરાઇ, મારા માટે કાયદો અલગ કેમ? તેવી દલીલ સંજય સિંહે કરી હતી.”