કોર્ટની મંજૂરી લઈને રાજ્યસભામાં પહોંચ્યા AAP MP Sanjay Singh, પણ આ કારણે સભાપતિએ રોક્યા

નવી દિલ્હી: આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા સંજય સિંહ(AAP MP Sanjay Singh) કોર્ટમાંથી ખાસ મંજૂરી લઇને રાજ્યસભાના સાંસદ તરીકેના શપથ લેવા માટે રાજ્યસભામાં પહોંચ્યા હતા, જો કે રાજ્યસભાના સભાપતિ જગદીપ ધનખડે તેમને શપથ લેવાની અનુમતિ આપી ન હતી, કેમકે સંજય સિંહ સામે દિલ્હીમાં આબકારી નીતિના કૌભાંડ વિશેની તપાસ હજુ પણ ચાલુ છે.
રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડે જણાવ્યું હતું કે આ કેસ હાલમાં વિશેષાધિકાર સમિતિ પાસે છે, એટલે સંજય સિંહને શપથ લેવાની પરવાનગી આપી શકાય નહિ. આમ, આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતાના રાજ્યસભા સાંસદ તરીકેના શપથ ગ્રહણ પર હાલ પૂરતી તો રોક લાગી ગઇ છે.
AAP નેતા સંજય સિંહ હાલમાં દિલ્હીના કથિત દારૂકૌભાંડમાં નાણાકીય હેરફેરના કેસમાં જેલમાં છે. તેમની સામે કોર્ટની કાર્યવાહી ચાલુ છે. 1 ફેબ્રુઆરીએ તેમણે વચગાળાની જામીન અરજી માટે કોર્ટનો સંપર્ક કર્યો હતો. જો કે દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે તેમની જામીન અરજી ફગાવી દીધી હતી, પરંતુ શપથ લેવાની મંજૂરી આપી હતી. આથી સંજય સિંહ આજે શપથ લેવા જઇ રહ્યા હતા પરંતુ અધ્યક્ષે મંજૂરી આપવાનો ઇનકાર કરી દેતા તેઓ શપથ લઇ શક્યા નહોતા.
AAP નેતા સંજય સિંહે સાત દિવસના વચગાળાના જામીન માંગ્યા હતા જેથી તેઓ 5 ફેબ્રુઆરીના રોજ યોજાનારા શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવા ઉપરાંત બજેટ સત્રમાં પણ ભાગ લઇ શકે જો કે, હવે તેઓ સત્રમાં પણ ભાગ લઇ શકે કે કેમ તે એક સવાલ છે. કોર્ટે તેમની અને પૂર્વ નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયાની ન્યાયિક કસ્ટડી પણ 17 ફેબ્રુઆરી સુધી વધારી દીધી છે.