નેશનલ

‘આપ’ના સાંસદ સંજયસિંહને ૨૭ ઑક્ટોબર સુધી જેલ

નવી દિલ્હી: દિલ્હીની એક અદાલતે આમ આદમી પાર્ટી (આપ)ના નેતા સંજય સિંહને કાળાં નાણાં ધોળાં કરવાની પ્રવૃત્તિને સંબંધિત દિલ્હી આબકારી જકાત નીતિ (ઍક્સાઇઝ પૉલિસી) કૌભાંડના સંબંધમાં ૨૭ ઑક્ટોબર સુધી અદાલતી કસ્ટડીમાં રાખવાનો શુક્રવારે આદેશ આપ્યો હતો.

એન્ફૉર્સમેન્ટ ડિરેક્ટરેટ (ઇડી)ની કસ્ટડીની મુદત પૂરી થઇ, તે પછી સંજય સિંહને ખાસ ન્યાયાધીશ એમ. કે. નાગપાલ સમક્ષ હાજર કરાયા હતા અને તેમણે સિંહને ૨૭ ઑક્ટોબર સુધી જેલમાં રાખવાનો હુકમ કર્યો હતો.

ન્યાયાધીશે સંજય સિંહને આ કેસ સાથે જે વાતને સંબંધ ન હોય, તે અદાલતમાં નહિ કહેવાની સૂચના પણ આપી હતી.

સંજય સિંહે અદાલતમાં દલીલ કરી હતી કે એન્ફૉર્સમેન્ટ ડિરેક્ટરેટ મારી ‘અદાણી સામેની’ ફરિયાદના સંબંધમાં કાર્યવાહી નથી કરતું. આમ આદમી પાર્ટીના નેતાના આ નિવેદનને પગલે ન્યાયાધીશે તેમને કેસ સાથે સંબંધ નહિ ધરાવતી વાત અદાલતમાં નહિ કરવાની સૂચના આપી હતી અને જણાવ્યું હતું કે જો તમારે અદાણી અને મોદી અંગે જ અદાલતમાં ફરિયાદ કરતા રહેવું હોય તો હું હવે પછી તમારા કેસની સુનાવણી વીડિયો કોન્ફરન્સિંગથી કરીશ.

રાજ્યસભાના આ સાંસદે આક્ષેપ કર્યો હતો કે ઇડીએ મારી પૂછપરછ દરમિયાન કેસને સંબંધિત કોઇ સવાલ નહોતા પૂછ્યા. તેઓ મને પૂછતા હતા કે મેં મારી માતા પાસેથી નાણાં શું કામ લીધા? મેં મારી પત્નીના ખાતામાં રૂપિયા ૧૦,૦૦૦ શું કામ મોકલ્યા? ઇડી હવે મનોરંજન વિભાગ બની ગયો છે. મેં ઇડી સમક્ષ અદાણીની ફરિયાદ કરી હતી, પરંતુ તેઓએ તેના સંબંધમાં કોઇ પગલું નથી ભર્યું.
સાંસદ સંજય સિંહની ચોથી ઑક્ટોબરે કાળાં નાણાં ધોળાં કરવાની પ્રવૃત્તિ-વિરોધી ધારા હેઠળ ધરપકડ કરાઇ હતી.

ઇડીએ આરોપ મૂક્યો હતો કે સંજય સિંહે દિલ્હી આબકારી જકાત નીતિ (ઍક્સાઇઝ પૉલિસી) ઘડવામાં અને તેના અમલમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. આ નીતિનો લાભ દારૂના ઉત્પાદકો અને દારૂના જથાબંધ તેમ જ છૂટક વિક્રેતાઓને થવાનો હતો. આ લાભ કરાવવા માટે લાંચ લેવાઇ હોવાનું મનાય છે. (એજન્સી)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button