રાઘવ ચડ્ઢાને સુપ્રીમની ટકોર: જગદીપ ધનખડની માફી માગી વિવાદ ખતમ કરો
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે આમ આદમી પાર્ટી (AAP)ના રાજ્યસભા સાંસદ રાઘવ ચડ્ઢાના સસ્પેન્શન કેસમાં હસ્તક્ષેપ કરતા સુપ્રીમ કોર્ટે રાઘવ ચડ્ઢાને રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડ સાથે મુલાકાત કરી તેમની બિનશરતી માફી માંગી લેવા જણાવ્યું હતું. કોર્ટે કહ્યું હતું કે અધ્યક્ષ જગદીપ ધનખડ સહાનુભૂતિપૂર્વક વિચાર કરશે અને આગળ શું કરવું તે જણાવશે. આ કેસમાં હવે આગામી સુનાવણી 20 નવેમ્બરે થશે. સુપ્રીમ કોર્ટે દિવાળીની રજાઓ બાદ AAP સાંસદની અરજી પર સુનાવણી સુનિશ્ચિત કરી છે અને એટર્ની જનરલને કેસમાં આગળના ઘટનાક્રમ વિશે માહિતી આપવા જણાવ્યું છે.
કેસની સુનાવણી દરમિયાન CJI ડી વાય ચંદ્રચુડે કહ્યું, “આપણે એ ધ્યાનમાં રાખવું જોઈએ કે રાઘવ ચડ્ઢા યુવા અને પ્રથમ વખતના સાંસદ છે. તેઓ બિનશરતી માફી માંગી લેશે. હવે મુદ્દાને સમાપ્ત કરવો જોઈએ.”
સુપ્રીમ કોર્ટમાં જ્યારે રાઘવ ચડ્ઢા કેસની સુનાવણી શરૂ થઈ ત્યારે ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડે કહ્યું, “તમે બિનશરતી માફીની વાત કરી હતી. તમે એપોઇન્ટમેન્ટ લઈને અધ્યક્ષને મળી લો તો સારું રહેશે. તેમની સગવડતા મુજબ, તમે તેમની સાથે તેમના ઘરે અથવા ઓફિસમાં મુલાકાત કરી લો. મળી શકે છે અથવા ગૃહમાં માફી માંગી શકે છે, કારણ કે આ ગૃહ અને ઉપરાષ્ટ્રપતિ ઉપરાંત રાજ્યસભાના અધ્યક્ષની ગરિમાનો મામલો છે.”
આ અંગે રાઘવના વકીલ શાદાન ફરાસતે કહ્યું, “રાઘવ રાજ્યસભાના સૌથી યુવા સભ્ય છે. તેમને માફી માંગવામાં કોઈ વાંધો નથી. તેઓ અગાઉ પણ માફી માંગી ચુક્યા છે.” શાદાને કહ્યું કે રાઘવને સસ્પેન્ડ કરવાનો પ્રસ્તાવ ગૃહ દ્વારા પસાર કરવામાં આવ્યો હતો, પરંતુ અધ્યક્ષ તેમના સ્તરેથી તેને રદ પણ કરી શકે છે. CJIએ કહ્યું કે અધ્યક્ષ આ અંગે સહાનુભૂતિપૂર્વક વિચાર કરી શકે છે.
રાજ્યસભાના સસ્પેન્ડેડ સાંસદ રાઘવ ચડ્ઢા દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુપ્રીમ કોર્ટે સુનાવણી હાથ ધરી હતી. છેલ્લી સુનાવણીમાં CJI એ એટર્ની જનરલને પૂછ્યું હતું કે શું આવા અનિશ્ચિત સસ્પેન્શનથી તે લોકો પર અસર થશે કે જેમના મતવિસ્તારોનું પ્રતિનિધિત્વ કરવામાં આવતું નથી. વિશેષાધિકાર સમિતિને સભ્યને અનિશ્ચિત સમય માટે સસ્પેન્ડ કરવાની સત્તા ક્યાં છે? શું આ વિશેષાધિકારનો ભંગ છે?
ગત 11 ઓગસ્ટે રાજ્યસભામાં ઉપલા ગૃહના નેતા પિયૂષ ગોયલે AAP નેતા રાઘવ ચડ્ઢાને સસ્પેન્ડ કરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો, જેને ગૃહે સ્વીકારી લીધો હતો. ચડ્ઢા પર આરોપ છે કે તેમણે દિલ્હી કેપિટલ ટેરિટરી (સુધારા) બિલ, 2023ને ગૃહની પસંદગી સમિતિને મોકલવાનો પ્રસ્તાવ મૂક્યો હતો અને તેમની સંમતિ લીધા વિના પ્રસ્તાવિત સમિતિ માટે ગૃહના કેટલાક સભ્યોનું નામ આપ્યું હતું.