'સામાન્ય માણસોની પાર્ટી' AAPએ 15 હજાર કરોડની કંપની ધરાવતા ધનિકને રાજ્યસભાના ઉમેદવાર બનાવ્યા | મુંબઈ સમાચાર
નેશનલ

‘સામાન્ય માણસોની પાર્ટી’ AAPએ 15 હજાર કરોડની કંપની ધરાવતા ધનિકને રાજ્યસભાના ઉમેદવાર બનાવ્યા

ચંદીગઢ: આમ આદમી પાર્ટીએ (AAP) પંજાબમાં ખાલી પડેલી રાજ્યસભાની બેઠક (Rajya Sabha candidate) માટે પોતાના ઉમેદવારના નામ પર અંતિમ મહોર મારી દીધી છે. પાર્ટીએ આગામી ૨૪ ઓક્ટોબર, ૨૦૨૫ ના રોજ યોજાનારી પંજાબ રાજ્યસભાની પેટાચૂંટણી માટે ટ્રાઇડેન્ટ ગ્રુપના ચેરમેન રાજીન્દર ગુપ્તાને પોતાના ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. આ પેટાચૂંટણી AAP ના નેતા સંજીવ અરોરાના રાજીનામાને કારણે ખાલી પડેલી બેઠક ભરવા માટે યોજાઈ રહી છે, જેમણે રાજ્ય વિધાનસભામાં ચૂંટાયા બાદ ઉપલા ગૃહમાંથી રાજીનામું આપ્યું હતું.

પાર્ટીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “પક્ષની રાજકીય બાબતોની સમિતિ (PAC) પંજાબ વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો દ્વારા થનારી કાઉન્સિલ ઓફ સ્ટેટ્સ (રાજ્યસભા)ની ચૂંટણી માટે રાજીન્દર ગુપ્તાના નામની ઉમેદવાર તરીકે જાહેરાત કરે છે.”

પંજાબના સૌથી ધનિક ઉદ્યોગપતિઓમાંના એક

રાજીન્દર ગુપ્તા ટ્રાઇડેન્ટ ગ્રુપના ચેરમેન એમેરિટસ છે અને પંજાબના સૌથી ધનિક ઉદ્યોગપતિઓ પૈકીના એક છે. તાજેતરમાં જ તેમણે સ્ટેટ ઇકોનોમિક પોલિસી એન્ડ પ્લાનિંગ બોર્ડના વાઇસ-ચેરમેન અને કાલી દેવી મંદિર સલાહકાર સમિતિના અધ્યક્ષપદેથી રાજીનામું આપ્યું હતું, જેના કારણે તેઓને રાજ્યસભાની પેટાચૂંટણીમાં AAP મેદાનમાં ઉતારશે તેવી અટકળો તેજ થઈ હતી.

રાજીન્દર ગુપ્તા 1 બિલિયન અમેરિકન ડોલરના ટ્રાઇડેન્ટ ગ્રુપની અગ્રણી કંપની ટ્રાઇડેન્ટ લિમિટેડના સ્થાપક અને ચેરમેન છે. તેમની કંપની લુધિયાણા, પંજાબમાં મુખ્ય મથક ધરાવે છે અને હોમ ટેક્સટાઇલ્સ, પેપર મેન્યુફેક્ચરિંગ, રસાયણો અને પાવર જેવા મુખ્ય ઉદ્યોગોમાં કાર્યરત છે. તેમના દ્વારા ઉત્પાદિત માલસામાનનું વેચાણ દેશ અને વિદેશમાં થાય છે. ૦૨ જાન્યુઆરી, ૧૯૫૯ના રોજ જન્મેલા રાજીન્દર ગુપ્તાને અગાઉ પંજાબના સૌથી ધનિક વ્યક્તિ તરીકે પણ ઓળખવામાં આવતા હતા.

આ પણ વાંચો…કટ્ટર વિરોધી AAP નેતા સૌરભ ભારદ્વાજ PM મોદીની સરકારની કઈ વાતથી ખુશ થયા? જાણો વિગત

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button